અમદાવાદઃ શહેરમાં ભેળસેળિયા તત્વો સામે મનપાના ફુડ વિભાગે અભિયાન શરૂ કરું છે. દરમિયાન શહેરના ઉત્તર ઝોનમાં આવેલા નરોડા સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને તપાસ કરતા ખળભળાટ મચી ગયો હતો. મનપાની ટીમોએ 255 કિલો જેટલા અખાદ્ય જથ્થો નાશ કર્યો હતો. આ ઉપરાંત કસુરવાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાની આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભય ફેલાયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ફૂડ વિભાગની ટીમ ઉત્તર ઝોનના નરોડા, સરદારનગર, કુબેરનગર, ઠક્કરનગર, ઇન્ડિયા કોલોની, સરસપુર, બાપુનગર, સૈજપુર બોઘા વોર્ડમાં તપાસ કરી હતી. ઉત્તર ઝોનના આ વોર્ડમાં આવેલા કુલ 199 ખાદ્યપદાર્થોના એકમો સામે તપાસ કરાઈ હતી, જે પૈકી વિભિન્ન ખાદ્યપદાર્થના 21 શંકાસ્પદ નમૂના લેવાયા હતા. તંત્ર દ્વારા કુલ 74 એકમોને નોટિસ આપીને કુલ 72 ટીપીસી ટેસ્ટ કરાયા હતા.
ઉત્તર ઝોનમાં ફૂડ વિભાગ દ્વારા 255 કિલો બગડેલા બટાકા, ફળ, પાણીપૂરીનો માવો તેમજ 385 લિટર ચટણી, જ્યૂસ, પાણીપૂરીના પાણીનો નાશ કરાયો હતો. આ કામગીરી દરમિયાન કસૂરવાર એકમો પાસેથી તંત્ર દ્વારા રૂ. 64,800નો વહીવટી દંડ વલૂસલવામાં આવતાં ભેળસેળખોર વેપારીઓમાં ફફડાટ પેસી ગયો હતો. આ ઉપરાંત તંત્રે નવ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.
દરમિયાન, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈ હેઠળ લાઇસન્સ કે રજિસ્ટ્રેશન મેળવ્યા સિવાય ધંધો કરનારા, આરોગ્યના નિયમોનું પાલન ન કરનારા તેમજ હલકી ગુણવત્તાનો માલ બનાવવા, વેચવા કે સંગ્રહ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ફૂડ વિભાગ દ્વારા અપાઈ છે.