અમદાવાદઃ લાલ દરવાજા સ્થિત એએમટીએસ ટર્મિનલને હેરિટેજ લુક અપાશે
અમદાવાદઃ દેશના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ શહેરમાં વિકાસના અનેક પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યાં છે. શહેરના માર્ગો ઉપર દોડતી એએમટીએસ બસના રૂટ વધારવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. એટલું જ નહીં લાલદરવાજા સ્થિત એએમટીએસના ટર્મિનલને સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે. આ ટર્મિનલને હેરિટેજ લુક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા એ.એમ.ટી.એસ.ના ટર્મિનલને હેરિટેજ લુક આપવામાં આવશે. આ માટે રાજસ્થાનના પિંક પત્થરનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ નકશી કામ કરેલી જાળી મુખ્ય બિલ્ડિંગનાં કોરિડોરમાં લગાવામાં આવશે. એટલું જ નહીં અહીં એલઈડી લાઈટ પણ મુકવામાં આવશે. આ ઉપરાંત હેરિટેજ સિટીનાં ફોટા લગાવામાં આવશે અને હેરિટેજ વારસાનું પેન્ટિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ લગભગ 8.8 કરોડમાં પૂર્ણ થવાની શકયતા છે.
અમદાવાદ શહેરમાં લોકોને પરિવહનની સેવા મળી રહે તે માટે એએમટીએસ અને બીઆરટીએસ બસ દોડાવવામાં આવે છે. પેટ્રોલના ભાવમાં થયેલા વધારાને પગલે એએમટીએસ અને બીઆરટીએસમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન પ્રવાસીઓને વધારે સુવિધાઓ મળી રહે તે માટે મનપા દ્વારા પગલા ભરવામાં આવી રહી છે.