અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીની લાશ મળી આવી હતી. આ કર્મચારીએ આત્મહત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં સબ ઈન્સ્પેસ્ટર તરીકે ફરજ બજાવતો જયદીપ પટેલ (રહે, પાલડી, અમદાવાદ) નામનો યુવાને મંગળવારે ભેદી સંજોગોમાં ગુમ થયો હતો. દરમિયાન મોડે સુધી યુવાન ઘરે નહીં આવતા પરિવારજનોએ શોધખોળ આરંભી હતી. બીજી તરફ પોલીસને મોડી રાતના પાલડી નજીક સાબરમતી નદીમાંથી એક યુવાનની લાશ મળી હતી.
પોલીસે ફાયરબ્રિગેડની મદદથી ભારે જહેમત બાદ યુવાનની લાશ બહાર કાઢી હતી. પ્રાથમિક તપાસમાં આ યુવાનનું નામ જયદીપ પટેલ હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં રિવરફ્રન્ટ પાસેથી તેની મોટરસાઈકલ પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. જયદીપની લાશ નદીમાંથી મળી આવતા પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હતું. તેમજ પરિવારમાં આક્રંદ ફેલાયો હતો. યુવાન બોડકદેવ વોર્ડમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળે છે.
પોલીસે યુવાનની લાશ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. યુવાને આત્મહત્યા કરીને કે તેની હત્યા થઈ હતી તે અંગે તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. જો કે, જયદીપ પટેલે આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે સમગ્ર ઘટના અંગે અકસ્માતે મોત નોંધીને તપાસ આરંભી છે. તેમજ યુવાને ક્યાં કારણોસર આ પગલુ ભર્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી.
(PHOTO-FILE)