અમદાવાદઃ છેતરપીંડીની તપાસ મામલે હાઈકોર્ટે સાયબર ક્રાઈમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી
અમદાવાદઃ સોશિયલ મીડિયા મારફતે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા પડીને છેતરપીંડી આચરવાના કેસમાં સાયબર ક્રાઈમના ગુનામાં સાઈબર ક્રાઈમની તપાસ સામે રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી. બે વર્ષ પહેલા થયેલી અરજીની યોગ્ય કાર્યવાહી નહીં કરવા મામલે કોર્ટમાં અરજી થઈ હતી. જેમાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને તપાસનો રિપોર્ટ રજુ કરવા માટે તપાસનીશ એજન્સીને નિર્દેશ કર્યો હતો.
કેસની હકીકત અનુસાર યુવતીને સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવીને આરોપી યુવાને મહિલા પાસેથી લાખો રૂપિયાની રોકડ રકમ પડાવી હતી. આ અંગે જે તે સમયે પીડિતાએ અમદાવાદ સ્થિત સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. જો કે, બે વર્ષના સમયગાળા દરમિયાન યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે રાજ્યની વડી અદાલતમાં અરજી કરી હતી. આ અરજની સુનાવણીમાં હાઈકોર્ટે સાયબર ક્રાઈમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ છેતરપિંડી મામલે તપાસ કરીને હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા સાયબર ક્રાઈમને આદેશ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધવાની સાથે સોશિયલ મીડિયા સહિતના વિવિધ પ્લેટફોર્મનો વપરાશ વધ્યો છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન બેંકીંગ સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે. બીજી તરફ સાયબર ક્રાઈમના ગુનાને અંજામ આપનારા આરોપીઓ પણ લોકો સાથે છેતરપીંડી સહિતના ગુનાને અંજામ આપવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. સાયબર ક્રાઈમના બનાવોમાં થયેલા વધારાને પગલે સરકાર પણ ચિંતિત બની છે, તેમજ આવા ગુનાઓને અટકાવવા માટે વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે.