Site icon Revoi.in

અમદાવાદઃ બિસ્માર માર્ગો અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

Social Share

અમદાવાદઃ શહેરમાં ચોમાસા બાદ બિસ્માર રસ્તાને પગલે શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. જો કે, રસ્તાઓનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું હોવાનો કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વર્ષ 2018માં બિસ્માર માર્ગો, ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે આપેલા આદેશનું પાલન નહીં થતા કોર્ટમાં કન્ટેમ્પ પીટીશન થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે ટકોર કરી હતી કે, શહેરમાં 60 ટકા જેટલા માર્ગો બિસ્માર છે. આ ઉપરાંત તંત્રને એફિડેવીટ રજૂ કરવા તાકીદ કરી હતી. તેમજ વધુ સુનાવણી તા. 22 નવેમ્બરના રોજ હાથ ધરાશે.

કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, 10 દિવસમાં 100થી વધારે ઢોર પકડવામાં આવ્યાં છે. એટલું જ નહીં 54 હજાર જેટલા મેટ્રિક ટન હોટમિક્સની મદદથી રસ્તા રિપેરીંગ કરવામાં આવ્યાં છે. શહેરમાં હાલ નવ જેટલા હોટ મિક્સ પ્લાન્ટ ધમધમી રહ્યાં છે. તેમજ માર્ગોના રિપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રાફિકના મુદ્દે આકરી ટકોર કરતા કહ્યું હતું કે, રસ્તાની બંને બાજુ આડેધડ થતા પાર્કિંગને લઈને શુ કામગીરી કરવામાં આવી છે. એટલું જ નહીં નિર્માણધિન મેટ્રોના બ્રિજની નીચે વાહન પાર્ક થતા હોવાથી વાહનવ્યવહારની સમસ્યા ઉભી થાય છે. જો ટ્રાફિકની જવાબદારી પોલીસની હોય તો અધિકારીઓ શું કામગીરી કરી રહ્યાં છે તેવા વેધક સવાલો પણ કોર્પોરેશને કર્યાં હતા. અરજદાર દ્વારા કોર્પોરેશનની રજૂઆતનો વિરોધ વ્યક્ત કર્યો હતો.