અમદાવાદઃ શહેરના હાર્દસમા લાલદરવાજાના ઐતિહાસિક એએમટીએસના બસ સ્ટેન્ડને નવો હેરિટેજ લૂક આપીને તૈયાર કરાશે. લાલ દરવાજા આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો, જે દૂર થતાં હવે આગામી દિવસોમાં નવું હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ થશે અને એક વર્ષમાં એટલે કે વર્ષ 2022ના અંત સુધીમાં બનીને અમદાવાદીઓને માટે શરૂ કરી દેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં લાલાદરવાજાનું એએમટીએસ બસ સ્ટેન્ડ 1955ના વર્ષમાં બનાવવામાં આવ્યું હતું. શહેરમાં ગમે તે વિસ્તારમાં જવા માટે સિટીબસની સુવિધા ઉપલબ્ધ હોય છે. હવે આ સિટી બસ સ્ટેન્ડને નવરૂપ રંગ આપીને તૈયાર કરવામાં આવી રહ્યું છે.લાલદરવાજા AMTS ટર્મિનસને બનાવવા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2016-2017માં રિનોવેશન માટે 1. 5 કરોડ અને 2017-18માં 2.5 કરોડ એમ કુલ 4 કરોડ રૂપિયા મંજૂર થયા હતા. વર્ષ 2018માં શ્રીજી કન્સ્ટ્રક્શન દ્વારા લાલદરવાજા બસ સ્ટેન્ડ પર પ્લેટફોર્મ નંબર 0 પર મુખ્ય બિલ્ડિંગ અને પ્લેટફોર્મ તોડી નાખ્યું હતું.
રાણીપ મલ્ટીમોડલ હબના પ્રોજેકટને સફળતા મળે તો જ લાલદરવાજા ટર્મિનસનો PPE ધોરણે વિકાસ કરવાનું તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. રાણીપ મલ્ટીમોડલ હબ પ્રોજેકટને હજી કોઈ સફળતા ન મળી હોવાથી અને કોરોનામાં આર્થિક સ્થિતિને જોતાં હાલના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે હેરિટેજ થીમ પર નેશનલ મોનુમેન્ટ્સ ઓથોરિટીની મંજૂરીની મળેલી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે મંજૂરી આપી હતી.
વર્ષ 2019માં મંજૂર થયેલી દરખાસ્ત બાદ લાલદરવાજા ટર્મિનસના નવીનીકરણની કામગીરી શરૂ થવાની હતી, પણ બસ ટર્મિનસની 200 મીટર નજીક આવેલી હેરિટેજ ઇમારતને કારણે દિલ્હી સ્થિત આર્કિયોલોજી વિભાગ પાસે પરવાનગી લેવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. વર્ષ 2017માં 5.72 કરોડના ખર્ચે બનવાનું હતું. જોકે લાલદરવાજા મજૂર મહાજન ઓફિસ પાસે 3 પ્લેટફોર્મ અને સોલર પેનલના રૂ. 15.75 લાખનો વધારો થતાં ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાયા બાદ અંદાજિત 6.5 કરોડના ખર્ચે અમદાવાદ શહેરનું નવું AMTS બસ ટર્મિનસ બનાવવામાં આવશે.