Site icon Revoi.in

અમદાવાદઃ પોલિસ કમિશનરે દિવાળીમાં ફરવા જતા પરિવારને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી

Social Share

અમદાવાદઃ દિવાળી આવી રહી છે, ત્યારે ફરવાના શોખીન આમદાવાદીઓએ વેકેશનો પ્લાન બનાવી લીધો હશે. જોકે, આ તહેવારોની સિઝનમાં ચોરી અને લુંટની ઘટનામાં પણ વધારો થતો હોય છે. પરિવાર ફરવા ગયું હોય ત્યારે ખાલી પડેલા ઘરમાં ચોર ઘામા નાખે છે. છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી દરમિયાન આવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે દિવાળીની રજાઓ દરમિયાન ફરવા જતા લોકો ઘરને કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે એ અંગે સલાહ આપી હતી.

પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું હતું કે, મિલકતની સુરક્ષા માટે સૌથી મહત્વની બાબત એ છે કે લોકો નજીકના પોલીસ સ્ટેશનને તેમના વેકેશન પ્લાન વિશે જાણ કરવી જોઈએ. આજકાલ લોકો સોશિયલ મીડિયા ટ્રીપના ફોટો શેર કરતા રહેતા હોય છે, ત્યારે વેકેશન ટ્રીપની તસવીરો પોસ્ટ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે… ગુનેગારો આ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખાલી ઘરોને શોધી કાઢે અને તકનો ગેરલાભ ઉઠાવી શકે છે.

જોકે પોલીસને હાઈ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે. દિવાળી પહેલા લોકો ખરીદીમાં વ્યસ્ત હોય છે, જેના કારણે બજારમાં કરેન્સીની સર્ક્યુલેશન ઝડપી થાય છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વારંવાર બેંકોની મુલાકાત લેતા હોય છે, જેથી આ સ્થળોની નજીક છુપાયેલા લૂંટારુઓ તેમણે ટાર્ગેટ બનાવે છે. તો અન્ય એક પોલીસ અધિકારી એ જણાવ્યું કે CCTV ફૂટેજ પર નજર રાખતી ટીમને ખાલી પડેલા ઘરો અને પોશ વિસ્તારો પર નજર રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 

સ્પેશિયલ બ્રાન્ચના વોચ ગ્રુપના લગભગ 90 સભ્યો સિવિલ યુનિફોર્મમાં અને ખાનગી વાહનોમાં શહેરના રસ્તાઓ પર પેટ્રોલિંગ કરશે. શો રૂમ્સમાં ચોરી કરનારાઓ સામે પોલીસે શોપિંગ મોલ્સને CCTV નેટવર્ક સંપૂર્ણપણે કાર્યરત છે, તેની ખાતરી કરવા માટે સલાહ આપી છે. પોલીસ અધિકારીએ ઓનલાઈન શોપિંગ દરમિયાન સાવધાની રાખવાની પણ સલાહ આપી છે.