અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ પરિવારના સંતાનો પણ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ (RTE) પ્રવેશ આપવામાં આવે છે. હાલ રાજ્યભરમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદમાં RTE હેઠળ પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં બેઠક કરતા ત્રણ ગણા ફોર્મ ભરાયા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર RTE દ્વારા રાજ્યભરમાં આ વર્ષે 70 હજાર જેટલી બેઠકો પર બાળકોને પ્રવેશ મળે તે માટે પ્રવેશ પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ વખતે RTE હેઠળ પ્રવેશ મેળવવામાં વાલીઓનો વધારે ધસારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં 12,579 બેઠક સામે 30 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. જેમાં 3 હજાર જેટલા ફોર્મ રિજેક્ટ થયા છે. રાજ્યભરમાં હાલ આરટીઈ હેઠળ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં વાલીઓ પોતાના સંતાનોના ધો-1માં પ્રવેશ માટે ફોર્મ ભરી રહ્યાં છે.
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ભરતસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે. અમદાવાદ શહેર 12579 બેઠક માટે 27524 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. RTE હેઠળ 17877 ફોર્મ એપ્રૂવ થયા છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલ સહિતના કારણોસર 2846 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહી ગયું હોય, ફોર્મમાં વિગતો પુરી ન ભરી હોય તેવા અધૂરી માહિતી વાળા 3441 ફોર્મ કેન્સલ થયા છે. RTE હેઠળ પ્રવેશ મેળવવા 25 હજાર ફોર્મ આવતા હતા. જોકે આ વર્ષે અત્યાર સુધીમાં ફોર્મ ભરવાનો આંક 30 હજારને પાર પહોંચ્યો છે.
(PHOTO-FILE)