અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ષ 2023- 24નું રૂ. 9482 કરોડનું બજેટ આજે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું. મ્યુનિ. કમિશનર દ્વારા મૂકાયેલા રૂ. 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ, 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનર દ્વારા સૂચવેલા પ્રોપર્ટી ટેક્સમાં ભાજપના સત્તાધીશોએ આંશિક ઘટાડો કર્યો છે. જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું હતું. જેમાં પણ આંશિક ઘટાડો કરવામા આવ્યો છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વર્ષ 2023-24નું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કર્યું હતું. જેમાં અગાઉ મ્યુનિ. કમિશનરે બજેટનું કદ 8400 કરોડ નિયત કર્યું હતું. જેમાં મ્યુનિ.ના ભાજપના સત્તાધિશોએ વધારો કરીને 9482 કરોડનું બજેટ કદ નક્કી કર્યું છે. ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ પણ વધારીને ડબલ કરવામાં આવ્યો હતો તેને ફગાવી દેવામા આવ્યો છે. ફુગાવાના દર પ્રાથમિક સુવિધાઓના ખર્ચ વગેરેને પહોંચી વળવા કાયમી ધોરણે પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટમાં પણ 5ની જગ્યાએ હવે 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જે નવા જંત્રી દર લાગુ કરવામાં આવ્યા છે, તેને આગામી ત્રણ વર્ષ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાગુ નહીં કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023- 24નું રૂ. 9482 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે રજુ કર્યું હતુ. જેમાં કમિશનર દ્વારા વિકાસના કાર્યો પાછળ રૂપિયા 3500 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેમાં રૂ. 474 કરોડનો વધારો કરી રૂ. 3974 કરોડના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે. લોકોની સુવિધાને લઈ અને નવા અનેક આયોજનો મૂક્યા છે. રોડ રસ્તા, ગટર, પાણી, બ્રિજ, પાર્કિંગ, ટ્રાફિક, ટ્રાન્સપોર્ટેશન, હેલ્થ, હોસ્પિટલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કોમ્યુનિટી હોલ, જાહેર સુવિધાઓ, બાગ બગીચા, નેચરલ પાર્ક, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને સ્માર્ટ સિટી હેઠળ અનેકવિધ નવા આયોજનો મૂકી અને અમદાવાદના નાગરિકોને સારામાં સારી સુવિધાઓ મળી રહે તેવું આયોજન ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવ્યું છે. ટેક્સ વધારાના સૂચન સામે શહેરીજનોને મોટી રાહત મળી છે. કમિશનરે સૂચવેલા દરોમાં બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રહેણાંક મિલકતો માટે દરમાં પણ ઘટાડો કરાયો છે. પ્રતિ ચોરસ મીટર રૂપિયા 16માં 7નો વધારો સૂચવાયો હતો. બજેટમાં રહેણાંક મિલકતમાં દર 20 રૂપિયા કરાયો છે. કોમર્શિયલ મિલકત માટે પણ 3 રૂપિયા ઘટાડો કરાયો છે. પ્રતિ ચોરસ મીટરે 37 રૂપિયા સુચવાયા હતા હવે રૂપિયા 34 કરાયા છે. વાર્ષિક 5 ટકા લેટિંગ ચાર્જ ઘટાડી 3 ટકા કરાયા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં દિન-પ્રતિ દિન વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે જેથી એર પોલ્યુશનની માત્રામાં વધારો થાય છે તે નિયંત્રિત કરવા સારૂં કેન્દ્ર સરકારની જુના વાહનો સ્ક્રેપ કરવાની પોલીસિ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલીકીના 15 વર્ષ કરતા જુના વાહનો રીપ્લેશ કરી નવા વાહનો ખરીદવા માટે રૂ.5 કરોડની જોગવાઇ કરવાનું ઠરાવવામાં આવે છે. શહેરના નાગરિકો સ્વસ્થ જીવન મેળવી શકે અને યુવાનો ખડતલ બને તથા સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે તે હેતુસર બોપલ વિસ્તારમાં જીમ્નેશિયમ બનાવવાના કામ માટે રૂા. એક કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવ્યું છે.