Site icon Revoi.in

અમદાવાદઃ વાઇબ્રન્‍ટ ગુજરાત–વાઇબ્રન્‍ટ ડિસ્ટ્રીક્ટ ઈવેન્‍ટમાં રૂ. 12,571 કરોડના 484 MoU થયા

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટની સફળતા વર્ણવતા ગૌરવસહ કહ્યું કે, આવી રાજ્યવ્યાપી ઇવેન્ટની ફળશ્રુતિએ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 2590 MoU રૂ. 25147 કરોડના રોકાણો માટે થયા છે. એટલું જ નહીં, આ સંભવિત રોકાણોને પરિણામે 65 હજારથી વધુ રોજગારીની તકો આવનારા સમયમાં નિર્માણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ અમદાવાદ ઇવેન્ટના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કર્યું હતું.

અમદાવાદમાં આયોજીત આ ઈવે‍ન્ટમાં વિવિધ ક્ષેત્રે રૂ. 12571 કરોડનાં સંભવિત રોકાણો માટેના 484 MoU થયા હતા. આનાં પરિણામે અંદાજે 17 હજાર જેટલી રોજગારીની તકો ભવિષ્યમાં ઉભી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને વૈશ્વિક રોકાણકારોના બે દાયકાથી મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદથી આજે નોલેજ શેરીંગ અને નેટવર્કિંગનું એક સક્ષમ પ્લેટફોર્મ બની ગઈ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના દરેક જિલ્લાનું આગવું પોટેન્શિયલ અને સ્ટ્રેન્થ છે. તેને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો આપણો નિર્ધાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત @2047નો જે ધ્યેય રાખ્યો છે તેમાં ગુજરાતનો દરેક જિલ્લો પોતાનું યોગદાન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ખભે ખભો મિલાવી ઉભો રહેવા સજ્જ બનાવવો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, જિલ્લા સ્તરે ઉદ્યોગકારો – રોકાણકારોમાં પાર્ટિસિપેશન અને ઓનરશીપની ભાવનાથી વાઇબ્રન્ટ સમિટને બ્રાન્ડિંગ અને બોન્ડીંગ બેય માટે સક્ષમ મંચ મળે છે.

આવી જિલ્લા સ્તરની ઇવેન્ટમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી, MSME, સ્ટાર્ટ અપ, SHG, મહિલા ઉદ્યોગ સાહસિકોને સાંકળી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, એક્ઝિબિશન, ક્રેડિટ લિંકેજ, સેમિનાર, વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ બજાર, B2B, B2C, B2G મીટીંગ્સ પણ યોજવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અને ‘વોકલ ફોર લોકલ’ નો જે મંત્ર આપ્યો છે તે આવી જિલ્લા સ્તરીય મીટ સાકાર કરે છે તેમ પણ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટની સફળતાને પગલે મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે તેને અનુરૂપ ઉદ્યોગો જિલ્લા સ્તરે ઉપલબ્ધ બને તેવી એક આખી વેલ્યુચેઈન અને ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલે ૨૦મી સદીના પ્રારંભથી જ ગુજરાત અને ભારતના અગ્રણી ઔદ્યોગિક શહેર તરીકે ખ્યાતિ પ્રાપ્ત અમદાવાદના ઔદ્યોગિક, આર્થિક વિકાસને સ્પીડ અને સ્કેલ સાથે આગળ ધપાવવામાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ સમિટના રોકાણો બળ આપશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એકવીસમી સદીના નવા ભારતનું પ્રભાત ગુજરાતથી થયું હતું. વડાપ્રધાનના વિશાળ વિઝનના પરિણામે 2003થી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ એટલી સફળ રહી છે કે અન્ય રાજ્યો પણ તેનું અનુકરણ કરી ગુજરાતના ઉદ્યોગકારોને તેમના રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું.

ઋષિકેશ પટેલે કહ્યું કે, અનેક ઉદ્યોગકારોએ ગુજરાતથી શરૂઆત કરી અને આજે દેશ-વિદેશમાં નામના મેળવી છે. પોલિસી ડ્રિવન રાજ્ય હોવાને કારણે ગુજરાત દુનિયાભરના રોકાણકારોની પ્રથમ પસંદ બન્યું છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ઉદ્યોગો ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક સાનુકૂળતા સાથે આગળ વધી રહ્યા છે. જેના પરિણામે આજે ઉદ્યોગો થકી 21 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. તેમણે કહ્યું કે, હવે જ્યારે માઇક્રોન કંપની પણ સેમિકંડક્ટર ચિપ્સનું ઉત્પાદન ગુજરાતમાં કરવા જઈ રહી છે. ત્યારે નવી ટેકનોલોજીને અનુરૂપ તાલીમબદ્ધ કર્મચારીઓ તૈયાર માટે નવા સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ પણ બનાવવામાં આવ્યા છે. તેમણે દુનિયામાં ભારત અને ભારતમાં ગુજરાત અગ્રેસર બને તે માટે પ્રયાસો કરવા આહવાન કર્યું હતું.