અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં અનેક લોકોની હાલત કફોડી બની હતી. ઘણાબધા પરિવારો એવા હતા કે તેમને ઘર ચલાવવાના ફાંફા હતા. અનેક લોકોની નોકરીઓ છૂટી ગઈ હતી. આવી સ્થિતિમાં ઘણાબધા મધ્યમવર્ગના પરિવારોએ ગોલ્ડ સામે લોન લઇને પરિવારનું ગુજરાત ચલાવ્યું હતું. પર્સનલ અને બીજી લોન આપવામાં ઇન્કાર કરી રહેલી બેન્કોમાં અત્યારે ઢગલાબંધ સોનું જમા થઇને પડ્યું છે, કારણ કે ગુજરાત સહિત દેશની મોટાભાગની બેન્કોએ ગોલ્ડ સામે લોન આપવાની બઘી અરજીઓ મંજૂર કરી છે.
સૂત્રોમાં પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ સામે લોન લેવાનો આંકડો 5000 કરોડ રૂપિયા જેટલો થયો હોવાનું અનુમાન છે. સોનું ગિરવે મૂકનારા લોકોમાં મધ્યમવર્ગિય પરિવારો, નાના વ્યાપારીઓ અને બિલ્ડર્સનો સમાવેશ થાય છે. કોઇએ ઘરનો ખર્ચ કાઢવા માટે, કોઇએ કોરોનાની સારવાર કરવા માટે તો કોઇએ કંપનીના સ્ટાફના પગાર માટે સોનું ગિરવે મૂક્યું છે. ગુજરાતમાં સૌથી વધુ ગોલ્ડ અમદાવાદમાં ગિરવે મૂકાયું છે. એ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ અને રાજ્યના બીજા નાના-મોટા શહેરોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે લોકો હોમલોન, પ્રોપર્ટી લોન, પર્સનલ લોન, ગોલ્ડલોન અને કન્ઝ્યુમર્સ લોન લેતા હોય છે.
ભારતના રાજ્યોમાં થયેલા એક સર્વે પ્રમાણે ગોલ્ડ સામે બેન્ક લોન લેનારા 55 ટકા નોકરીયાત અને નાના વ્યાપારિક વર્ગ પૈકી 20 ટકા પરિવારોએ ઘરનું સોનું ગિરવે મૂકીને કોરોના રોગની સારવાર કરાવી છે જ્યારે 80 ટકા પરિવારોએ આર્થિક તંગી દૂર કરવા તેમનું સોનું બેન્કોમાં ગિરવે મૂક્યું છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, કોરોનાની મહામારીના સમયમાં કોઇની નોકરી ગઇ હતી. કોઇનો વ્યાપાર પડી ભાંગ્યો હતો. કોઇના વ્યવસાય બંધ થઇ ગયા હતા. કોઇના પગારમાં ઘટાડો થયો હતો. ત્યારે આ સમયમાં સોનું સંજીવની બની રહ્યું હતું. ભારતીય રીઝર્વ બેન્કના ડેટા પરથી જાણવા મળ્યું છે કે મોટાભાગના પરિવારોએ સોનું ગિરવે મૂકીને લોન લીધી હતી.
બેન્કના આંકડા પ્રમાણે આર્થિકરીતે પડી ભાંગેલા પરિવારોએ એજ્યુકેશન અને કન્ઝ્યુમર્સ લોનની સરખામણીએ ગોલ્ડ લોન ત્રણ ગણી વધુ લીધી છે. ગોલ્ડ સામે લોનનો આંકડો 2020માં 33303 કરોડ હતો જે માર્ચ 2021માં વધીને 60464 કરોડ થયો છે. ગોલ્ડ લોન વધતા પાછળના કારણોમાં કોવિડની બીજી લહેર મુખ્ય છે. બેન્કરોના મતે ગોલ્ડ લોનનો આંકડો હજી પણ વધી શકે છે. બેન્કોમાં પર્સનલ લોન પણ વધી છે પરંતુ બેન્કોએ વધુ સાવધાની રાખી છે, કારણ કે લોકોની નોકરીઓ સલામત નહીં હોવાના કારણે 10 પૈકી માત્ર ત્રણ કે ચાર અરજી માન્ય રાખી છે. આ સંજોગોમાં ગોલ્ડ સામે લોન લેવાના પ્રમાણમાં વધારો થયો હતો.