અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી જતાં શહેરીજનો અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. વધતી ગરમીની સાથે શહેરના પૂર્વ વિસ્તારોમાં તેમજ કોટ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાના કેસો નોંધાઈ રહ્યા છે. ગરમીમાં લૂ લાગવાના, ચક્કર આવવાના તેમજ ઝાડા-ઊલટીના કેસોમાં વધારો થયો છે. એપ્રિલ મહિના દરમિયાન ઝાડા ઉલ્ટીના કેસોમાં વધ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમા 211 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા હતા. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં સેમ્પલ અનફિટ નોંધાયા છે. આગામી દિવસોમાં પણ ગરમીને ધ્યાનમાં રાખીને પાણીજન્ય રોગોમાં વધારો થઈ શકે છે.
સૂત્રના જણાવ્યા મુજબ શહેરમાં તાપમાનમાં વધારો થતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નિકળવા, વધારે પાણી પીવા, હલકો અને પૌષ્ટિક ખોરાક લેવા વગેરે સુચનાઓ આપવામાં આવી છે. દરમિયાન ગરમીની સીઝનમાં થતા રોગચાળા સામે પણ આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા બે મહિના કરતા એપ્રિલ મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો હતો. ખાસ કરીને ઝાડા ઉલટી અને કમળાના કેસો નોંધાયા છે. ઝાડા ઉલટીના 843, કમળાના 125 અને ટાઇફોઇડના 152 કેસો એપ્રિલ મહિનાના નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તાર તેમજ કોટ વિસ્તારમાં વધારો થયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી એપ્રિલ મહિનામાં પાણીના 1177 સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 211 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવે છે.