Site icon Revoi.in

અમદાવાદઃ હવે ચોમાસામાં રસ્તા ઉપર પાણી ભરાવાની ઘટના ભૂતકાળ બનશે

Social Share

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં ચોમાસામાં અનેક માર્ગો ઉપર પાણી ભરાઈ જવાની ઘટના સામે આવે છે. જેથી વાહન ચાલકો અને પ્રજા હાલાકીનો સામનો કરે છે. જો કે, હવે શહેરના માર્ગો ઉપર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની વાત ભૂતકાળ બની જશે. ચોમાસામાં માર્ગો ઉપર વરસાદી પાણી ના ભરાય તે દિશામાં મનપા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસામાં વરસાદને પગલે શહેરના 100 જેટલા માર્ગો ઉપર વરસાદી પાણી ભરાય છે. આ માર્ગો ઉપર વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના નિરાકરણ માટે એએમસીએ આયોજન કર્યું છે અને આ અંગે મુખ્યમંત્રી પાસે ગ્રાન્ટની માંગણી કરી હોવાનું જાણવા મળે છે. શહેરમાં ચોમાસામાં ક્યાં ક્યાં રસ્તા પર પાણી ભરાયેલા રહે છે તે માટેનો મનપાએ સર્વે કર્યો હતો. આ સર્વેમાં શહેરના 100 રસ્તા પર રેગ્યુલર પાણી ભરાતું હોવાનું સામે આવ્યું છે. આ બાબતના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર પાસે 250 કરોડનો ખર્ચ કરીને RCC અને PQC રોડ બનાવવા માટેનું આયોજન કરાયું છે. જે મુદ્દે AMCના સત્તાધીશોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી અને વરસાદી પાણી ભરાતા વિસ્તારોના બાબતે પ્રેઝન્ટેશન દર્શાવ્યું હતુ. જે બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પેશિયલ બજેટ મંજુર કરવા માટેની ખાતરી આપી છે. જેથી આગામી દિવસોમાં શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બની જશે.