અમદાવાદઃ શહેરના પશ્વિમ વિસ્તારને પાણી પુરૂ પાડતા જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના 66 કેવીના વીજ સબ સ્ટેશનમાં મરામતની કામગીરીને કારણે વોટર પ્લાન્ટનો વીજ પુરવઠો સ્થગિત કરવામાં આવશે તેના લીધે શનિવારે સાંજે અને રવિવારે શહેરના પશ્વિમ વિસ્તારને અપાતા પાણી પુરવઠાના વિતરણમાં વિક્ષેપ સર્જાશે. આથી પશ્વિમ વિસ્તારના નાગરિકોએ આજે શનિવારે સવારનો પાણીનો પુરવઠો પુરા ફોર્સથી વધુ અપાશે.
એએમસીના વોટર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે શનિવારે સાંજે અને રવિવારે સવારે પાણી કાપ કરવામાં આવ્યો છે. જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટને સપ્લાય પૂરો પાડતા 66 કેવીના સબ સ્ટેશનને યુજીવીસીએલ દ્વારા કામગીરીના કારણે બંધ કરવાનું હોવાથી શનિવારે સાંજે પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરું પાડી શકાશે નહીં રવિવારે સવારે પણ ઉપલબ્ધ જથ્થા મુજબ વિસ્તારોમાં જ પાણી મળી શકશે. પાણી કાપના કારણે પશ્ચિમ વિસ્તારના નાગરિકોએ શનિવારે સવારના પાણીના જથ્થાનો વપરાશ વધુ થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા સાબરમતી, ચાંદખેડા, મોટેરા, રાણીપ, નવાવાડજ, પાલડી, વાસણા, નવરંગપુરા, સરખેજ, થલતેજ, બોડકદેવ, એસજી હાઇવે, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા, નારણપુરા, બોપલ, ઘુમા, જોધપુર, સેટેલાઈટ, પુર આનંદનગર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે. યુ જી વી સી એલ અને જેટકો દ્વારા 16 ડિસેમ્બરના રોજ સવારે ht લાઇનની કામગીરી કરવાની હોવા થી જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને વીજળી પૂરી પાડતા 66 કેવીના સબ સ્ટેશનનો વીજ પુરવઠો બંધ કરવામાં આવશે જેના કારણે પાણી ઉપલબ્ધ થઈ શકશે નહીં.