અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. ઘણાબધા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી, હેલ્મેટ ન પહેરવો, સિટબેલ્ટ ન બાંધવો, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, વાહનો પર ડાર્ક ફિલ્મ લગાવવા જેવા નિયમોનો વાહનચાલકો ભંગ કરતા હોય છે. કૂલ 21 જેટલા ટ્રાફિકના નિયમોને વાહનચાલકો અનુસરતા નથી. હવે આવા નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોની ખેર નથી, કારણ કે, શહેરના રોડ પર ઠેર ઠેર લગાવાયેલા સીસીટીવી કેમેરાઓને ટ્રાફિકના AI સોફ્ટવેર સાથે જોડવામાં આવશે એટલે 21 જેટલા ટ્રાફિકના નિયમોનું પાલન કરાશે નહીં તો જેના ફોટા સાથે જ વાહનચાલકોને ત્વરિત મેમો મળી જશે.
અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળો પર સિગ્નલો પર સીસીટીવી લગાવાયેલા હોવા છતાં વાહનચાલકો સિગ્નલ સહિતના ગુનાઓ તોડતા હોવાનું રોજબરોજ જોવા મળતુ હોય છે, ત્યારે શહેરની ટ્રાફિક સમસ્યા અને નિયમોનું પાલન થાય તે માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટીની ત્રીજી આંખ એટલે કે સીસીટીવી વધુ સ્માર્ટ બનાવવાની તૈયારીઓ હાથ ધરાઈ છે. શહેરના CCTVને AI સોફ્ટવેર સાથે જોડવામાં આવશે. નવા સોફ્ટવેર બાદ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોનું આવી બનશે. નવા સોફ્ટવેરને કારણે 21થી વધુ ગુનાંનાં ભંગ બદલ મેમો અપાશે. હાલ માત્ર સિગ્નલ ભંગ અને સ્ટોપ લાઈન ભંગ બદલ મેમો આપવામાં આવે છે.
શહેરના ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના 130 જંકશનો પર 1695 CCTV કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ સ્માર્ટ સીટી કંપનીએ અમદાવાદ શહેરમાં ઓવર સ્પીડીંગ સહિત 21થી વધુ જુદા-જુદા પ્રકારના વાયોલેશન પકડવા માટે AI સોફ્ટવેર તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પાડી દીધાં છે. આ ટેન્ડર મંજુર થયા બાદ જુદા-જુદા 21થી વધુ જેટલા વિહિકલ એકટના ગુનાના ભંગ બદલ ઈ-મેમો આપવામાં આવશે. નવા સોફ્ટવેરના ડેવલપમેન્ટ બાદ ઓવરસ્પીડીંગના કિસ્સામાં પણ ઇ-મેમો આપી શકાશે. શહેરમાં ઓવર સ્પીડિંગના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં આ સોફ્ટવેર દ્વારા કાર્યવાહી કરી શકાશે. ડ્રીંક કરી વાહન ચલાવવું, સીટબેલ્ટ વગર વાહન ચલાવવું, ચાલુ વાહને ફોન પર વાત કરવી, રોંગ સાઈડ પર જવું, વાહન પર કાળી ફિલ્મ લગાવેલી હોવી, વાહનોમાં વધુ પડતા મુસાફરો ભરવા, ફેન્સી નંબર પ્લેટ વગેરે અંગે માહિતી મળી શકશે. આ સાથે કોઈ વોન્ટેડ વ્યક્તિ, મિસિંગ બાળકો વગેરેને શોધવા પણ ઉપયોગી થશે.