અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજીયાત બન્યો છે. તેમજ સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવે છે. જો કે, અમદાવાદમાં શહેરીજનોને કોરોનાનો કોઈ ડર જ ન હોય તેમ અનેક લોકો માસ્ક વગર બિન્દાસ ફરતા હોવાનું સામે આવે છે. બીજી તરફ પોલીસે પણ આવા લોકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. ત્યારે અત્યાર સુધીમાં પોલીસે માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી લગભગ 18 કરોડનો દંડ વસુલ્યો હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પોલીસે માસ્ક નહીં પહેરનારા અને જાહેરમાં થુંકવા માટે રૂ. 100 કરોડથી વધારે દંડ વસુલવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં તા. 24 માર્ચથી 14મી ડિસેબર સુધી પોલીસે જાહેરનામા ભંગના કુલ 35,745 કેસો કર્યા હતા. તેની સામે કુલ 44,667 ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત થે માસ્ક ન પહેરવા બદલ કુલ 3.13 લાખ કેસો પોલીસે કર્યા છે. આ બદલ કુલ રૂ. 18.41 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય આવા શખ્સોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પોલીસની સાથે મનપાની ટીમ દ્વારા પણ માસ્ક વિના ફરતા લોકો અને જાહેરમા થુંકનારા લોકોને ઝડપી લેવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માસ્ક વિના પકડાતા લોકોનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં માસ્ક વિના ફરતા લોકોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે આવા અનેક લોકોને ઝડપી લઈને તેમની પાસેથી 100 કરોડથી વધારે દંડ વસુલ્યો હતો.