અમદાવાદીઓ દંડ ભરવામાં પણ આળસું, 50 લાખ લોકોએ ઈ-મેમોનો દંડ ભર્યો નથી, હવે કાર્યવાહી કરાશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કાળ દરમિયાન લોકો પાસેથી માસ્ક ન પહેરવાના નામે લાખો રૂપિયાનો દંડ વસૂલ્યા બાદ હવે પોલીસે ઈ-મેમો ઈસ્યુ કર્યા બાદ દંડ નહીં ભરનારા વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોના ઘર સુધી મેમો પહોંચે તે માટે ઈ-ચલણ યોજના શરૂ કરી હતી. પરંતુ અત્યાર સુધીમાં 50 લાખ જેટલાં વાહનચાલકોએ ઈ-ચલણનો રૂ.120 કરોડનો દંડ ભર્યો જ નથી, છતાં બિન્ધાસ્ત વાહન ચલાવી રહ્યા છે. જેથી ઈ-ચલણનો દંડ નહીં ભરનારા વાહનચાલકો સામે 30 જ દિવસમાં એન.સી.ગુનો નોંધીને સજા ફટકારવા માટે ઈ-વર્ચ્યુઅલ કોર્ટની રચનાની તૈયારી શરુ કરી છે. 2023ના વર્ષમાં આ યોજના અમલમાં મુકી દેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં સ્માર્ટ પ્રોજેકટ યોજના હેઠળ મ્યુનિ.કોર્પો. દ્વારા 92 ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ સીસીટીવી કેમેરાનું તમામ રેકોર્ડિંગ ટ્રાફિક પોલીસને અપાય છે. જેના આધારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને કંટ્રોલ રૂમ ઈ-મેમો મોકલે છે. આ યોજના શરુ થઇ ત્યારથી અત્યાર સુધીમાં શહેરના 50 લાખથી વધુ વાહનચાલકોએ ઈ-મેમોનો રૂ.120 કરોડ દંડ ભર્યો જ નથી. દંડ નહીં ભર્યો હોવા છતાં વાહનચાલકો બિન્ધાસ્ત વાહન ચલાવી રહ્યા છે.જેથી ઈ-મેમોનો દંડ નહીં ભરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારે ઈ-વર્ચ્યુઅલ કોર્ટની યોજના ઘડી કાઢી છે. દિલ્હી, બેંગલુરુ જેવા શહેરોમાં હાલમાં કાર્યરત ઈ-વર્ચ્યુઅલ કોર્ટ હવે ગુજરાતમાં પણ કાર્યરત થશે. જેમાં જે પણ વાહનચાલકને ઈ-મેમો મોકલાશે તેની ઓનલાઈન જાણ વર્ચ્યુઅલ કોર્ટને થશે. જેમાં 30 દિવસમાં ઈ-ચલણનો દંડ નહીં ભરનારા વાહનચાલકો સામે એન.સી. ગુનો નોંધાશે અને તેઓ જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારની કોર્ટમાં તેમને હાજર થવું પડશે. આમ કરવાથી કોર્ટો પર ફરી એક વખત કેસોનું ભારણ વધશે પરંતુ લોકઅદાલતની જેમ જ એક જ દિવસમાં નિકાલ આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સીસીટીવી કંટ્રોલ રુમના કોમ્પ્યુટર પર જે પણ વાહનચાલકનો ઈ-મેમો જનરેટ કરાશે, તેની ઓનલાઈન જાણ વર્ચ્યુઅલ કોર્ટને પણ આપોઆપ થઇ જશે. જેથી જે પણ વાહન ચાલકને ઈ-મેમો ઈશ્યૂ થયો હશે તેનો રેકોર્ડ વર્ચ્યુઅલ કોર્ટ પાસે રહેશે. ઈ-વર્ચ્યુઅલ કોર્ટ શરૂ થયા બાદ જે પણ ઈ-મેમો સીસીટીવી કંટ્રોલ રુમમાંથી જનરેટ થશે તેની ઓનલાઈન જાણ કોર્ટને થઇ જશે. જેના આધારે કોર્ટમાંથી પણ જે-તે વાહન ચાલકને મેસેજ કરીને તેમને દંડની જાણ કરાશે. ઈ-મેમો જનરેટ થયાના 30 દિવસમાં જે વાહનચાલક દંડ ભરી દેશે તેની સામે કોઇ જ કાર્યવાહી નહીં કરાય. પરંતુ 30 દિવસમાં દંડ નહીં ભરનાર વાહનચાલક વિરુદ્ધ એન.સી.ગુનો નોંધી તેને કોર્ટ સમક્ષ હાજર કરાશે. જ્યાં વાહનચાલક દંડ ભરી શકશે અને ન ભરે તો કોર્ટ સજા નક્કી કરશે. અમદાવાદ ટ્રાફિક પોલીસની વેબ સાઈટ પર ચલણ પેમેન્ટ સિસ્ટમ ઓપન કરવાથી વાહન નંબરનું ઓપ્શન આવે છે. તેમાં વાહનનો નંબર નાખવાથી બાકી મેમો અને દંડની રકમ આવે છે અને તે ઓનલાઈન ભરી શકાય છે. (file photo)