અમદાવાદઃ નૂતન વર્ષ 2022નું આગમન અને 2021ના વર્ષની વિદાયને હવે એક-બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે થર્ટી ફર્સ્ટની ઊજવણી કરવા માટે શહેરીજનો ઉદેપુર, ગોવા, માઉન્ટ આબુ સહિતના પ્રવાસન સ્થળોએ ઉપડી ગયા છે. જ્યારે તમામ રાજ્યના તમામ મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ 11 વાગ્યાથી લાગુ થઇ જતો હોવાથી અને પાર્ટી માટે પરવાનગી ના હોવાથી સિટીના મોટા ઓયોજકોએ આ વર્ષે પાર્ટી નહિ યોજવાનો નિર્ણય કર્યો છે
સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં હરવા-ફરવામાં ગુજરાતીઓ પ્રથમ મંબરે આવે છે. દેશ કે વિદેશના કોઈપણ પર્યટક સ્થળોએ ગુજરાતીઓ તો મળશે જ. દિવાળી વેકેશન હોય કે સાતમ-આઠમની રજાઓ, ગુજરાતીઓ તો પહેલેથી જ રજાઓનું પ્લાનિંગ કરી લેતા હોય છે. આ વર્ષે ઘણાબધા શહેરીજનોએ નવા વર્ષ 2022નું સ્વાગત ઉદયપુર, જેસલમેર, ગોવા, કચ્છ અને શિવરાજપુર બીચ પર મનાવવાનો પ્લાન કરી લીધો છે. રાજસ્થાનના બુકિંગમાં 60 ટકા, ગોવાના બુકિંગમાં 25 ટકાનો વધારો થયો છે. આ સાથે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ લોકોની પસંદ બન્યુ છે. ગોવામાં સનબર્ન માટેના બુકિંગ અને દ્વારકામાં સ્કુબા ડાઇવિંગ માટે સારા એવા બુકિંગ થયા છે. કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ પણ ન્યુયર સેલિબ્રેશન માટે લોકોની પ્રાયોરિટીમાં છે.
અમદાવાદના ટુર અને ટ્રાવેલ્સના સૂત્રોના જણાવ્યા મુજબ થર્ટી ફર્સ્ટની ઊજવણી કરવા માટે એક-બે મહિના પહેલા જ ગોવા અને રાજસ્થાનના બુકિંગ થઇ ગયા હતા જેમાંથી 60 ટકા બુકિંગ માત્ર રાજસ્થાનના જ છે.મેરેજ સિઝનના કારણે સિમલા અને મનાલીના પણ બુકિંગ છે. શહેરીજનોમાં કોરોનાનો ડર તો છે પણ એન્જોય પણ કરવુ છે. ન્યુયર પાર્ટીના સેલિબ્રેશન માટે ડોમેસ્ટિક ટ્રાવેલિંગ બુકિંગમાં 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.રાજસ્થાન લોકની પહેલી પસંદ છે. (file photo)