Site icon Revoi.in

ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં અવલ્લ અમદાવાદીઓ દંડ ભરવામાં આળસુ

Social Share

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમના પાલન માટે શહેરના વિવિધ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ચાર રસ્તા ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે છે. બીજી તરફ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને ટ્રાફિક વિભાગ દ્વારા ઈ-મેમો મોકલવામાં આવે છે. શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને 60 લાખ ઈ-મેમો મોકલીને 176 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમમાં અમદાવાદીઓએ હજી 133 કરોડ રૂપિયા ભરવાના બાકી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં વર્ષ 2015થી ફેબ્રુઆરી 2021 સુધીના પાંચ વર્ષમાં વિવિધ ટ્રાફિક સિગ્નલો પર સ્ટોપ લાઈનના ભંગ બદલ 40 લાખ ઈ મેમો ફટકારવામાં આવ્યાં છે. જેમાં 126 કરોડનો દંડ, હેલ્મેટ નહીં પહેરવા બદલ 15 લાખ ઈ મેમોમાં 30 કરોડ, નો પાર્કિગના 2.94 લાખ મેમોમાં 4 કરોડ રૂપિયા, રોંગ સાઈડ વાહન ચલાવવાના 31 હજાર ઈ મેમોમાં 2.94 કરોડ, ભયજનક વાહન હંકારવા બદલ 14 હજાર મેમોમાં 1.69 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. શહેરમા ચાલુ વાહને મોબાઈલના ઉપયોગ બદલ 13 હજાર મેમોમાં 1.38 કરોડનો દંડ, BRTS કોરિડોરમાં વાહન ચલાવવા બદલ 33 હજાર મેમોમાં 4 કરોડ, ત્રણ સવારી વાહન હંકારવા બદલ 14 હજાર ઈ મેમોમાં 1.45 કરોડ, સીટ બેલ્ટ વિના કાર ચલાવવા બદલ 64 હજાર મેમોમાં 92 લાખ, ફેન્સી નંબર પ્લેટના 12 હજાર મેમોમાં 21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પાંચ વર્ષમાં પોલીસે નિયમોના ભંગમાં અમદાવાદીઓને કુલ 172 કરોડનો દંડ ફટકાર્યો છે. જેમાંથી માત્ર 42 કરોડ જ જમા થયાં છે. જ્યારે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ શહેરીજનોએ હજી 133 કરોડનો દંડ ભરવાનો બાકી રહ્યો છે.