Site icon Revoi.in

અમદાવાદીઓએ એક મહિનામાં 2.94 લાખ કિગ્રાથી વધારે રસાયણમુક્ત કેસર કેરીનો સ્વાદ માણ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગીરની કેસર કેરીની સિઝન પુરી થઈ છે. દરમિયાન અમદાવાદના શહેરીજનોએ એક મહિનાના સમયગાળામાં 2.94 લાખ કિગ્રાથી વધારે કેસર કેરીનો સ્વાદ માણ્યો હતો. ગયા વર્ષે શહેરમાં કેસર કેરી મહોત્સવ દરમિયાન 92 હજાર કિગ્રાનું વેચાણ થયું હતું. જેની સરખામણીએ ચાલુ વર્ષે વેચાણ થયું છે.

શહેરી નાગરિકોને કાર્બાઈડ ફ્રી કેરી અને ખેડૂતોને તેમની કેરીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર વર્ષ 2007થી દર વર્ષે ઉનાળાની સીઝનમાં ‘કેસર કેરી મહોત્સવ’નું આયોજન કરે છે. આ વર્ષે પણ અમદાવાદ હાટ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે તા. 18મી મેના રોજ આ ‘કેસર કેરી મહોત્સવ- 2023’નો શુભારંભ કરાવ્યો હતો. આ વર્ષે અમદાવાદીઓએ કાર્બાઈડ ફ્રી અને ઓર્ગેનિક કેસર કેરી ખાવામાં કોઈ કસર છોડી નથી એમ કહી શકાય. ગત વર્ષે યોજાયેલા કેરી મહોત્સવમાં ખેડૂતો દ્વારા 92 હજાર કિલોગ્રામ જેટલી કેરીનું વેચાણ થયું હતું, જેની સામે આ વર્ષે એક મહિનાના સમયગાળામાં ખેડૂતો દ્વારા 2.94 લાખ કિલોગ્રામથી પણ વધુ કેસર કેરીનું વેચાણ કરવામાં આવ્યુ છે.

ગુજરાતની કેસર કેરીએ આજે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. વિદેશમાં પણ કેસર કેરીની માંગ વધતા ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં કેસર કેરીનું વાવેતર અને ઉત્પાદન બંનેમાં વધારો થઈ રહ્યો છે. કેસર કેરી પકવતા ખેડૂતો તેમની કાર્બાઈડ ફ્રી કેરીઓ સીધી શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર ‘કેસર કેરી મહોત્સવ’ જેવું એક માધ્યમ પૂરું પાડી ખેડૂતોને સહાયરૂપ થઇ રહી છે. 

આ વર્ષના કેરી મહોત્સવમાં કુલ 83 જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં 58 ફાર્મર ગ્રુપ, 15 નેચરલ ફાર્મિંગ એફ.પી.ઓ., 5 સી.બી.બી.ઓ અને 4 સહકારી મંડળીના સભાસદોએ તેમની ગુણવત્તાયુક્ત અને કાર્બાઈડ ફ્રી કેસર કેરીનું વેચાણ કરી સામાન્ય કરતા 30 થી 35 ટકા વધુ આવક મેળવી છે. સમગ્ર વિશ્વમાં આ વર્ષને આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે, આ કેરી મહોત્સવમાં ભારત સરકારની પી.એમ.એફ.એમ.ઈ. યોજનાના લાભાર્થીઓની પ્રોડક્ટ્સ, મીલેટ આધારિત પેદાશો તેમજ એફ.પી.ઓ. દ્વારા બાજરો, મગ જેવા પ્રાકૃતિક કૃષિ આધારિત ધાન્યોનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું.