અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામને 123થી વધુ દિવસ વિતી ગયા છતાં, શહેરના 28 કોર્પોરેટરોએ ચૂંટણી ખર્ચનો હિસાબ રાજ્ય ચૂંટણી આયોગને રજૂ ન કરતાં કોર્પોરેટરોની અનિયમિતતા સામે આયોગે લાલ આંખ કરી છે.
રાજ્ય ચૂંટણી આયોગે અમદાવાદ કલેક્ટરને ચૂંટણી ખર્ચનો હિસાબ નહીં આપનારા અમદાવાદ શહેરના કોર્પોરેટરો સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યો છે. મુખ્યત્વે, ચૂંટણી ખર્ચની વિગતો જાહેર નહીં કરનારા કોર્પોરેટરોમાં ભાજપનાં 27 અને કોંગ્રેસનાં એક કોર્પોરેટરનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પરિણામનાં 30 દિવસમાં ખર્ચની વિગતો રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ રજુ કરવાની હોય છે.
જો નિયમિત સમયમાં ખર્ચની વિગતો આપવામાં નિષ્ફળ જાય તે કોર્પોરેટરોને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાની સત્તા પણ રાજ્ય ચૂંટણી આયોગ પાસે છે, પંરતુ હજુ સુધી આવું બન્યું નથી. ચૂંટણી ખર્ચની વિગતો જાહેર નહીં કરનારા કોર્પરેટરોમાં શહેરનાં સૈજપુર વોર્ડ-13, ઈન્ડિયા કોલોની-22, ઠક્કરનગર-23, નિકોલ-24, વિરાટનગર-25, ઓઢવ-40 અને રામોલ હાથીજણ-48 વોર્ડના કોર્પોરેટરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, શહેરનાં સંતોષસિંહ રાઠોડે ચૂંટણી આયોગ સમક્ષ ફરિયાદ કરતાં રાજ્ય ચૂંટણી આયોગને કોર્પોરેટરો સામે પગલાં લેવાની ફરજ પડી હતી.