Site icon Revoi.in

અમદાવાદની AMTS અને BRTSમાં ખોટ ઘટાડવા માટે ભાડામાં બેથી પાંચ રૂપિયાનો વધારો કરાશે,

Social Share

અમદાવાદઃ જાહેર પરિવહનની સેવા હંમેશા ખોટ જ કરતી હોય છે. ત્યારે અમદાવાદમાં શહેરી પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ વર્ષે દહાડે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTS બસના ભાડામાં પણ કેટલાંક વર્ષોથી વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે હવે આગામી દિવસોમાં AMTS અને BRTSના ભાડામાં વધારો કરાશે તે નક્કી છે. વર્ષોથી AMTS અને BRTSના બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે હવે ડીઝલ અને સીએનજી ગેસના ભાવ વધારાને જોતાં હવે ભાડા વધારવા અંગે  AMCના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના સત્તાધીશો દ્વારા બસના હાલના પ્રવર્તમાન ભાડામાં કેટલો અને કેવી રીતે વધારો કરી શકાય તે અંગે વિચારણા કરાઈ હતી. આગામી દિવસોમાં આ મામલે નિર્ણય લેવાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં નાગરિકોને જાહેર પરિવહનની સેવા પુરી પાડતી AMTS અને BRTS બસોના ભાડા છેલ્લા ઘણા વર્ષોથી વધ્યા નથી. જેથી હવે તેમાં આંશિક વધારો કરવામાં આવે તેને લઈ અને ચર્ચા કરવામાં આવી હતી. AMTS બસનું મિનિમમ ભાડું 3 રૂપિયા અને વધુમાં વધુ 35 છે. જ્યારે BRTSનું મિનિમમ ભાડું 4 જ્યારે વધુમાં વધુ 32 છે. છેલ્લા દસ વર્ષથી બસના ભાડામાં કોઈપણ વધારો કરવામાં આવ્યો નથી. વર્ષોથી AMTS અને BRTS બસ ખોટમાં જઈ રહી છે. ત્યારે હવે બસના ભાડા વધારવાનો નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે. જેમાં મિનિમમ ભાડામાં બે રૂપિયા જ્યારે વધુમાં વધુ ભાડામાં પાંચ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. કમિશનર અને ભાજપના સત્તાધીશોએ આ વધારા અંગે સંમતિ આપી દીધી છે આગામી દિવસોમાં આ મામલે ચાર્ટ તૈયાર કરી અને નવા ભાવની જાહેરાત થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  AMTS અને BRTS બસ હવે સંયુક્ત કરવા દોડાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. હાલમાં એમટીએસ અને બીઆરટીએસ બંને એક જ રૂટ ઉપર ચાલતી હોય તો તેને હવે બદલવામાં આવશે. જેથી લોકોનો સમય અને વધુ બસો મળી રહે તેના માટે વિચારણા કરવામાં આવી છે. AMCની મળેલી બેઠકમાં આ સમગ્ર બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે એક પ્રેઝન્ટેશન અને યોગ્ય ચાર્ટ તૈયાર કરી અને કઈ રીતે AMTS અને BRTSને સંયુક્ત કરી શકાય તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે.