અમદાવાદના ફાઉન્ડ્રી અને એન્જિનિયરિંગ એકમો કાચા માલના અભાવે 20 દિવસનું વેકેશન રાખશે
અમદાવાદ: પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો તેમજ કોલસાની અછતને લીધે ઉદ્યોગોના કામકાજ પર અસર પડી રહી છે. કારણ કે, કાચા માલના ભાવમાં ભારે ઉછાળો અને તેની અછતને લીધે અમદાવાદ અને તેની આસપાસના 5,000 ફાઉન્ડ્રી અને એન્જિનિયરિંગ એકમો નવેમ્બરથી શરૂ થતા પખવાડિયા માટે ઉત્પાદન બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે. રાજકોટ, જામનગર અને રાજ્યના અન્ય ભાગોમાં ફાઉન્ડ્રી અને એન્જિનિયરિંગ એકમો પણ કાચા માલના વધતા જતા ખર્ચ વચ્ચે સમાન પગલાઓ પર વિચાર કરી રહ્યા છે.
ઈન્ડસ્ટ્રીના એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, અમદાવાદની આસપાસ લગભગ નાના, મધ્યમ અને મોટા કદના મળીને કુલ 1,500 ફાઉન્ડ્રી એકમો અને 10,000 એન્જિનિયરિંગ એકમો છે. કાચા માલના ભાવમાં વધારો તેમજ તેની ઉપલબ્ધતાને કારણે ઉત્પાદન વધુને વધુ ખર્ચાળ બની રહ્યું છે, કેટલાક સભ્ય એકમોએ સ્વૈચ્છિક રીતે 15 થી 20 દિવસ માટે ઉત્પાદન બંધ કરીને દિવાળી વેકેશન લંબાવવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે એકમો દિવાળીમાં 6-7 દિવસ બંધ રહે છે.
એસોના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, લગભગ 5,000 એકમો – 1,500 ફાઉન્ડ્રી અને 3,500 એન્જિનિયરિંગ એકમો – આ સ્વૈચ્છિક શટડાઉનમાં જોડાશે. આ એકમોમાંથી લગભગ 15 ટકા પહેલાથી જ બંધ થઈ ગયા છે અને આગામી થોડા દિવસોમાં વધુ જોડાવાની શક્યતા છે. ફાઉન્ડ્રીઝ દ્વારા ઉપયોગમાં લેવાતા કાચા માલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા આઠ મહિનામાં પિગ આયર્નના પ્રતિ કિલોગ્રામ ભાવ રૂ. 30-32 પ્રતિ કિલોથી વધીને 51-52 પ્રતિ કિલો થઈ ગયા છે, જ્યારે કોલસાના ભાવ રૂ. 25થી વધીને રૂ. બે મહિનામાં રૂ. 52 પ્રતિ કિલો થયા છે. બીજીબાજુ સપ્લાયર્સે ક્રેડિટ પર કાચો માલ આપવાનું બંધ કરી દીધું છે. પરિણામે, આ ફાઉન્ડ્રીઝ દ્વારા બનાવવામાં આવતા CI કાસ્ટીંગ્સ (કાસ્ટ આયર્ન)ની કિંમત અગાઉ રૂ. 48-52 પ્રતિ કિલોથી વધીને રૂ. 75-80 થઈ ગઈ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ કાસ્ટિંગનો ઉપયોગ સમગ્ર ઉદ્યોગોમાં મશીનરીના ભાગો બનાવવા માટે થાય છે. ઉદ્યોગ ચલાવતા અન્ય કારખાનેદારોના મતે, એન્જિનિયરિંગ એકમોને આટલા ઊંચા ભાવે કાસ્ટિંગ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે તેઓ સ્ટીલ, કોપર અને અન્ય કાચા માલના ભાવ વધારાનો પણ સામનો કરી રહ્યા છે. તેથી, કાસ્ટિંગનું ઉત્પાદન ઘટીને હવે 60 ટકા થઈ ગયું છે. જ્યારે કાચા માલની કિંમતમાં વધારો અસહ્ય હોય છે અને વ્યવસાયમાં પણ મંદી છે, ત્યારે એકમોને થોડા સમય માટે બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.