અમદાવાદઃ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ત્રણ દરવાજા, રિલિફરોડ ગાંધીરોડ સહિત બજારોમાં થોડી ભીડ જોવા મળી રહી છે. જેમાં ગાંધી રોડ સ્થિત ઇલેક્ટ્રિક બજારમાં તેજી જોવા મળી રહી છે. દિવાળી આવતા લોકોએ પોતાના ઘર આંગણમાં લાઇટિંગ કરવા માટે સિરિઝ વગેરેની ખરીદી શરૂ કરી દેતાં બજાર તેજી જોવા મળી રહી છે. લાંબા સમય સુધી ઇલેક્ટ્રિક બજારના વેપારીઓ સાવ ધંધા વગરના બેસી રહ્યા હતા. તેમને નવરાત્રિ અને દિવાળીને તેજીને કારણે હાશકારો થયો છે.
અમદાવાદના ગાંધી રોડ ઇલેક્ટ્રિક બજારના વેપારીઓના કહેવા મુજબ કોરોનાને કારણે લાંબા સમય સુધી લોકડાઉન રહ્યું હતું. કોઇ તહેવારો પણ ધામધૂમથી ઉજવાયા નહોતા. વેપારીઓને લાંબા સમય સુધી મંદીનો માર વેઠવો પડ્યો હતો. હવે કોરોના કાબૂમાં આવી રહ્યો છે. સરકારે થોડી તકેદારી સાથે કોમર્શિયલ આયોજનોને બાદ કરતાં તમામ શેરી-મહોલ્લા અને સોસાયટીમાં નવરાત્રિની ઉજવણી કરવાની મંજૂરી આપી હતી. ગત વર્ષે નવરાત્રિ નહીં કરી શકેલા શહેરીજનોએ પોતપોતાની સોસાયટી અને શેરી-મહોલ્લામાં ઝાકમઝોળ સાથે નવરાત્રિનું આયોજન કર્યું હતું. જેને પગલે રોશની, ડીસ્કો લાઇટ, બલ્બ, હેલોઝન તથા ટ્યૂબલાઇટ, કલરિંગ લાઇટિંગની વસ્તુઓનું સારૂ વેચાણ થયું હતું. બજારમાં નવરાત્રિથી શરૂ થયેલી તેજી હવે લંબાઇ છે. લોકોએ દિવાળીના દિવસોમાં પણ ઘર આગળ રોશની તથા લાઇટિંગ કરવા માટે પણ ખરીદી શરૂ કરી છે. ઇલેક્ટ્રિક બજારમાં ખરીદી જામતાં વેપારીઓ આનંદમાં આવી ગયા છે.
જોકે, કેટલાક વેપારીઓનું કહેવું હતું કે, કોરોનામાં લાંબા સમય સુધી શહેરના બજારો બંધ રહ્યા હતા તે સમયે ઓનલાઇન બિઝનેસ ચાલુ જ રહેતા લોકોએ ઓનલાઇન વસ્તુઓ મંગાવવાની શરૂ કરી હતી. આવી પરિસ્થિતિમાં શહેરના જે વેપારીઓ કોરોના પહેલાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક આઇટનો સ્ટોક કરી રાખ્યો હતો તેમનો માલ વેચાયો જ નહોતો. સતત બીજા વર્ષે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હજુ ઓનલાઇન બિઝનેસને કારણે જોઈએ તેવી ઘરાકી નથી.