Site icon Revoi.in

અમદાવાદના મણિનગરના સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધટાકા સાથે તૂટી, 30 લોકોનું રેસ્ક્યુ કરાયું

Social Share

અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં ઉત્તમનગર પાસે આવેલા મ્યુનિ.કોર્પોરેશનના જૂના સ્લમ ક્વાટર્સની બ્લોકની ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બીજા અને ત્રીજા માળે રહેતા રહીશોના ઘરની બહાર જ નીકળવાનો રસ્તો બંધ થઈ જતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાછળના ભાગેથી બારીમાંથી 30 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. જોકે કોઈ જાન હાની થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં ઉત્તમનગર બગીચા પાસે 40 વર્ષ જૂના મ્યુનિ.કોર્પોરેશનના સ્લમ ક્વાર્ટર્સ આવેલાં છે. ત્રણ માળના સ્લમ ક્વાર્ટર્સમાં 15થી 20 જેટલા પરિવારો રહેતા હતા. ગુરૂવારે વહેલી સવારે બીજા માળની ગેલેરીનો એક ભાગ થોડો તૂટ્યો હતો. થોડો અવાજ આવતા લોકો બહાર આવ્યા હતા. પરંતુ ખાસ કંઈ ઘટના બની ન હોવાનું માનીને તેઓએ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ 10-15 મિનિટ બાદ અચાનક જ બીજા ને ત્રીજા માળની ગેલેરીનો આખો ભાગ તૂટી પડ્યો હતો. ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકો ઘરની બહાર જ નીકળી ન શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બીજા અને ત્રીજા માળે રહેતા રહીશોને પાછળના ભાગે બારીનો ભાગ તોડી ઘરોમાંથી બહાર રેસ્ક્યૂ કર્યા હતા. નાનાં બાળકો અને વૃદ્ધો સહિત કુલ 30 જેટલા લોકોને સીડી વડે ફાયરબ્રિગેડ ટીમ અને પોલીસની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા.વર્ષો જુના મ્યુનિ.ના ક્વાટર્સ જર્જરિત હોવા છતાં તેને મરામત પણ કરાવવામાં આવતા નથી.