અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર વર્ષ 1962માં બનાવવામાં આવેલા નહેરુબ્રિજના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે આગામી તા. 15મી જાન્યુઆરીથી 15 દિવસ સુધી બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નેહરૂબ્રિજ સમારકામ અને મેટ્રોની કામગીરીના લીધે નહેરુબ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નહેરુબ્રિજના રિપેરિંગ માટે આશરે રૂપિયા 2.54 કરોડનું ટેન્ડર પણ તૈયાર કરાયું છે. બ્રિજના નિર્માણને આશરે 58 જેટલા વર્ષ થયા છે અને કેટલાક ભાગને નુકસાન પણ થયું છે. બ્રિજ ઉપર કેટલીક જગ્યાએ મોટી તીરાડો પણ પડી છે અને પિલરની બેરિંગ પણ ત્રાંસી થઈ ગઈ છે. જેથી તેના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે. નહેરુબ્રિજ 15 દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આવી જ રિતે સુભાષબ્રિજનું સમાકરામ કરવામાં આવ્યું હતું.