Site icon Revoi.in

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનને રૂપિયા 350 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે,

Social Share

અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશન પર વધતા જતાં ટ્રાફિકને હળવો કરવા માટે સાબરમતી રેલવે સ્ટેશનનું વિસ્તૃતીકરણ કરાશે, સ્ટેશનને 350.75 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે. સાબરમતી સ્ટેશન બે ભાગમાં જેલરોડ સ્ટેશન તેમજ ધર્મનગર સ્ટેશનમાં વહેંચાયેલું છે. રિડેવલપમેન્ટના ભાગરૂપે આ બન્ને સ્ટેશનને કનેક્ટ કરતા 10 પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ દિલ્હી સહિત ઉત્તર ભારત જતી ટ્રેનો સાબરમતી સ્ટેશનેથી ઉપડશે અને કાળુપુર સ્ટેશન પરનું ભારણ ઘટશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાબરમતી ખાતે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા તૈયાર થનારા મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ સાથે રેલવે ઉપરાંત મેટ્રો રેલ, હાઈ સ્પીડ બુલેટ ટ્રેન, સેમી હાઈસ્પીડ ટ્રેનની સાથે રોડ કનેક્ટિવિટીથી જોડાશે. રેલવેના એક અધિકારીના કહેવા મુજબ સૌથી પહેલા ગુજરાતમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશન તેમજ મધ્યપ્રદેશમાં હબીબગંજ સ્ટેશનને રિડેવલપ કરવામાં આવ્યા હતા. તેની સાથે જ અન્ય કેટલાંક સ્ટેશનોને રિડેવલપ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં સાબરમતી સ્ટેશન ઉપરાંત સુરત, ઉધના અને સોમનાથ સ્ટેશનને પણ રિડેવલપ કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઓક્ટોબર 2025 સુધી તૈયાર થનારા નવા સાબરમતી સ્ટેશન ખાતે પેસેન્જરોને લિફ્ટ, એસ્કેલેટર, વેઈટિંગ લોન્જ, રિટાયરિંગ રૂમ, વિશાળ પાર્કિંગ એરિયા, વડીલો તેમજ દિવ્યાંગો માટે રેમ્પ સહિતની સુવિધા મળશે. શહેરના સાબરમતીના બન્ને સ્ટેશન જેલરોડ અને ધર્મનગરને ટ્રાવેલેટલર તેમજ ફૂટઓવર બ્રિજ સાથે જોડવાની સાથે તે મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ સાથે પણ જોડાશે. જેથી પેસેન્જરો સરળતાથી રેલવે સ્ટેશનની સાથે હાઈસ્પીડ સ્ટેશન, મેટ્રો સ્ટેશન તેમજ બીઆરટીએસ સ્ટેશન સુધી પહોંચી શકશે

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના સાબરમતી સ્ટેશન રિડેવલપ થવાની સાથે સાથે કાળુપુર સ્ટેશન પરનું ટ્રાફિક ભારણ ઘટે તે માટે ત્યાં પ્લેટફોર્મની સંખ્યા વધારવામાં આવશે. હાલમાં 3 હયાત પ્લેટફોર્મ ઉપરાંત બે નવા પ્લેટફોર્મ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં 10 જેટલા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. સાબરમતી સ્ટેશને પ્લેટફોર્મની સંખ્યા વધવાની સાથે ત્યાં મેન્ટેનન્સ, પીટલાઈન સહિતની સુવિધા ઉપલબ્ધ થતા આગામી દિવસોમાં અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનો સાબરમતીથી શરૂ કરવામાં આવશે. જેમાં સૌથી પહેલા અમદાવાદથી ઉપડી આગરા કેન્ટ તેમજ ગ્વાલિયર જતી ટ્રેનોને સાબરમતી શિફ્ટ કરવામાં આવશે. ત્યારબાદ ઉત્તર ભારત તરફ જતી અન્ય ટ્રેનોને પણ તબક્કાવાર શિફ્ટ કરવામાં આવશે.