અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને 23મો વાર્ષિક ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ 2023 એનાયત કરાયો છે. ગ્રીનટેક ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત એવોર્ડ પર્યાવરણીય શ્રેષ્ઠતા કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ એનાયત કરવામાં આવ્યો હતો. શહેરના સરદાર પટેલ એરપોર્ટને વેસ્ટ રિસાયક્લિંગની પ્રેક્ટિસ, વોટર મેનેજમેન્ટ, ઉર્જા કાર્યક્ષમતા અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડામાં શ્રેષ્ઠ યોગદાનને કારણે આ સન્માન પ્રાપ્ત થયું છે.
અમદાવાદમાં સરદાર પટેલના પ્રવાસી ટ્રાફિકમાં છેલ્લા એક વર્ષથી સારોએવો વધારો થયો છે. સાથે જ પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને એરપોર્ટની સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વેસ્ટ રિસાયક્લિંગ અને પર્યાવરણીય બાબતોમાં પણ સારી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગ્રીનટેક એવોર્ડ મળતા એરપોર્ટની પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. ગ્રીનટેક એન્વાયર્નમેન્ટ એવોર્ડ એવી અસાધારણ વ્યક્તિઓ, ટીમો, એકમો, પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓને નવાજે છે, જેમણે પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. આ એવોર્ડ તેમના સમર્પણ, વ્યાવસાયીકરણ અને ઇકોસિસ્ટમ પર સકારાત્મક અસર કરતી પરિણામલક્ષી પહેલને બિરદાવે છે.
એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીરમાં 24મી નવેમ્બર, 2023ના રોજ આયોજિત એવોર્ડ સમારંભમાં સરદાર પટેલ એરપોર્ટને આ પ્રતિષ્ઠિત પર્યાવરણીય શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ માન્યતા SVPI એરપોર્ટની ઓપરેશનલ ધોરણોને ઉન્નત કરવા, ટકાઉપણું વધારવા તેમજ પર્યાવરણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. પર્યાવરણીય શ્રેષ્ઠતા પ્રત્યેના ઉચ્ચ સમર્પણને પ્રકાશિત કરતી આ સિદ્ધિ માટે સરદાર પટેલ એરપોર્ટ ખૂબ જ ગર્વ અનુભવે છે. આગામી સમયમાં આ માન્યતા એરપોર્ટને સતત સુધારણા માટે પ્રયત્નશીલ રહેવા, શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા અને વધુ ટકાઉ ઉડ્ડયન યોગદાન આપતી નવીન વ્યૂહરચનાઓનો અમલ કરવા પ્રેરિત કરશે.