અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો, બે મહિનામાં 20 લાખ પ્રવાસીઓ નોંધાયા
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર રોજબરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે મહિનાના ઉનાળું વેકેશન દરમિયાન 20 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા. પ્રવાસીઓના ધસારાને લીધે નવી ફ્લાઈટ્સ પણ શરૂ કરવામાં આવી રહી છે, માત્ર ડોમેસ્ટીક જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સના પ્રવાસીઓમાં પણ જબરો વધારો જોવા મળી રહ્યો છે.
એરપોર્ટના સૂત્રોના જમાવ્યા મુજબ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઉનાળું વેકેશન ફળ્યું છે. આ વર્ષે એપ્રિલ-મે એમ બે મહિના દરમિયાન 20 લાખ જટલા મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. જેની સરખામણીએ ગત વર્ષે એપ્રિલ-મેમાં કુલ મુસાફરો 14.14 લાખ હતા. આમ, ગત વર્ષના ઉનાળાના વેકેશન કરતાં ફ્લાઇટના મુસાફરોની સંખ્યામાં 40 ટકા જેટલો વધારો નોંધાયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ ખાતે એપ્રિલ-મેમાં 8.46 લાખ ડોમેસ્ટિક અને 1.52 લાખ ઈન્ટરનેશનલ મુસાફરો નોંધાયા હતા. ડોમેસ્ટિક ફ્લાઇટની અવર-જવર એપ્રિલમાં 936 અને મે મહિનામાં 1001 હતી. આમ, મે મહિનામાં પ્રત્યેક ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં સરેરાશ 1.52 લાખ મુસાફરો હતા. આ ઉપરાંત મે મહિના દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતેથી દરરોજ સરેરાશ 32 હજાર મુસાફરો અને 228 ફ્લાઇટની અવર-જવર હતી. મે મહિનામાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ થઇને કુલ મુસાફરોનો આંક 10 લાખને પાર થયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ એસપી એરપોર્ટમાં મે મહિના દરમિયાન દરરોજ સરેરાશ 4913 ઈન્ટરનેશનલ મુસાફરોની અવર-જવર હતી. ગત વર્ષની સરખામણીએ મે મહિનામાં ઈન્ટરનેશનલ મુસાફરોમાં 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર કોવિડ બાદ પ્રથમ વખત અમદાવાદ એરપોર્ટના એર ટ્રાફિકનો ગ્રાફ ઊંચે ગયો છે. છેલ્લા કેટલાક વર્ષની સરખામણીએ આ વખતે ઉનાળાના વેકેશનમાં સૌથી વધુ મુસાફરો નોંધાયા છે.
મે મહિના દરમિયાન ગુજરાતના અન્ય એરપોર્ટના એર ટ્રાફિકની વાત કરવામાં આવે તો સુરત ખાતે 1.20 લાખ, વડોદરા ખાતે 1.09 લાખ, રાજકોટ ખાતે 82564 જામનગર ખાતે 12336, કંડલા ખાતે 7086 ભાવનગર ખાતે 6279, ભુજ ખાતે 5069, દીવ ખાતે 4025 પોરબંદર ખાતે 525 મુસાફરોની અવર-જવર હતી.