Site icon Revoi.in

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને મળી સિદ્ધિ, લેવલ થ્રીમાં થયું અપગ્રેડ,

Social Share

અમદાવાદ:  શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓને સારી સુવિધા મળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સરદાર પટેલ  એરપોર્ટ હવે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલમાં (ACI) લેવલ 3 માન્યતામાં અપગ્રેડ થયું છે. એરપોર્ટને ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા પ્રદાન કરવા બદલ છેલ્લા પાંચ વર્ષમાં અનેકવિધ ASQ એવોર્ડ એનાયત થયા છે.

અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઓક્ટોબર 2022માં આપવામાં આવેલા લેવલ 2 થી લેવલ 3 માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા બદલ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને આ સન્માન પ્રાપ્ત થયું છે.  એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ એક્રેડિટેશન એ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા ગ્રાહકોના અનુભવ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા વિકસાવવામાં આવેલી બહુસ્તરીય માન્યતા ધરાવતો કાર્યક્રમ છે. લેવલ 3 નો દરજ્જો એરપોર્ટ કલ્ચર, ગવર્નન્સ, ઓપરેશનલ ઇમ્પ્રૂવમેન્ટ, મેઝરમેન્ટ, ગ્રાહક વ્યૂહરચના જેવા પરિમાણોના આધારે આપવામાં આવે છે.

સરદાર પટેલ ઓરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ મુસાફરોના બહેતર અનુભવ અને મુસાફરીને વધુ સરળ બનાવવા SVPI એરપોર્ટે અનેક પહેલ અમલમાં મૂકી છે. જેમાં રિટેલ અને ફૂડ કાઉન્ટરની સંખ્યામાં બમણો વધારો, મેડ ઈન ઈન્ડિયા રોબોટનો ઉપયોગ, ડિજી યાત્રા, સેલ્ફ બેગેજ ડ્રોપ, ઓટોમેટિક ક્લિનિંગ સિસ્ટમ અને ઈ-ગેટ્સ જેવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. એરપોર્ટ ટીમ મુસાફરોને વધુને વધુ સારી સેવા પ્રદાન કરવા પ્રયત્નશીલ છે. અવલોકન અને મુસાફરોની જરૂરિયાતોના આધારે ગત વર્ષોમાં એરપોર્ટ ખાતે સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે. ફોર કોર્ટમાં મીટ અને ગ્રીટ વિસ્તારમાં મુસાફરોના પ્રતિસાદના આધારે સુવ્યવસ્થિત પરિવહન સેવાઓ સાથે પિક અપ અને ડ્રોપ લેનનો વિકાસ કરવામાં આવ્યો છે. SVPI એરપોર્ટ સુધારણા, વિકાસ અને વધુ સારા ગ્રાહક અનુભવની યાત્રા યથાવત રાખવા કાર્યરત છે.