અમદાવાદઃ શહેરમાં ઉત્તરાણના દિને પતંગોત્સવથી આકાશ છવાઈ ગયું હતુ. સવારથી સાંજ સુધી પતંગરસિયાએ રંગબેરંગી પતંગો ચગાવીને ભારે મોજ માણી હતી. અને રાત્રે પણ તુક્કલ ચગાવીને તેમજ આતશબાજી કરીને લોકોએ પતંગોત્સને મહાણ્યો હતો.
ગુજરાતમાં લોકોએ કોરોનાના ત્રણ વર્ષ બાદ ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઊજવ્યો હતો. અમદાવાદ સહિત મહાનગરોમાં પતંગરસિયાઓ વહેલી સવારથી જ પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઇને ધાબે ચડી ગયા હતા. એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા હતા. તો બીજી તરફ કાઈપો છે…, લપેટ… લપેટ…ની બૂમા સંભળાતી હતી. જોકે, આખો દિવસ રંગેબરંગી પતંગોથી ઝળહળતું આકાશ અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું. આ સાથે ધાબા પર લોકો ગરબા તેમજ હિન્દી સોન્ગ પર ઝૂમતા જોવા મળ્યા હતા.
અમદાવાદ સહિત મહાનગરોમાં યુવાધને ઉત્તરાયણની રાત્રે પતંગની સાથે આતશબાજી પણ કરી હતી. આખો દિવસ પતંગ ઉડાવવાની મજા માણ્યા બાદ ફટાકડા ફોડીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા. પવન પણ માફકસરનો રહેતા પતંગરસિયાઓને મોજ પડી ગઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા વંદેમાતરમ વિસ્તારમાં આવેલી શુકન રેસિડેન્સિ ખાતે પતંગ ચગાવી આનંદ માણ્યો હતો. બન્ને મહાનુભાવોએ લોકોનું અભિવાદન ઝીલીને રંગબેરંગી ફુગ્ગા આકાશમાં છોડીને આ પર્વને લોકોત્સવ બનાવ્યો હતો.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પરિવાર સાથે મકરસંક્રાંતિને ધ્યાનમાં રાખીને ગૌ પૂજા કરી હતી. ગાય માતાની પૂજા કર્યા બાદ તેઓ પરિવાર સાથે પતંગ ઉડાવતા પણ નજરે પડ્યા હતા. તેમના વિસ્તારમાં પરિવાર અને આસપાસના લોકો સાથે હર્ષ સંઘવીએ મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. સંઘવીએ તમામ સુરતીઓ અને ગુજરાતના લોકોને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી હતી.