Site icon Revoi.in

અમદાવાદના તિલક ગાર્ડનને હેરિટેજ લૂક સાથે રિડેવલપ કરાશે

Social Share

અમદાવાદઃ  શહેરના એલિસબ્રિજના પૂર્વ છેડે લાલદરવાજા વિસ્તારમાં આવેલા 200 વર્ષ જૂના ઐતિહાસિક તિલક ગાર્ડન (વિક્ટોરિયા ગાર્ડન)ને રિડેવલપ કરવામાં આવી રહ્યો છે. યુ.એન. મહેતા ફાઉન્ડેશન (ટોરેન્ટ) દ્વારા તિલક બાગને રૂ.8 કરોડના ખર્ચે નવા રંગરૂપ આપી હેરિટેજ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. રિવરફ્રન્ટ પર આવતા લોકો સીધા ગાર્ડનમાં પ્રવેશ કરી શકે એ માટે રિવરફ્રન્ટ તરફ પણ એક એન્ટ્રી ગેટ રાખવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા વિકટોરિયા ગાર્ડન  28000 સ્કવેરમીટરમાં આવેલો છે. આ ગાર્ડનને ટોરેન્ટ દ્વારા રિડેવલપ કરવામાં આવો રહ્યો છે. CSR ફંડમાંથી આ બજેટ ફાળવી તેઓ 8થી 10 કરોડના ખર્ચે આ ગાર્ડનને અદ્યતન ગાર્ડન બનાવશે, જેમાં ઓપન જિમ, બાળકોને રમવાનાં સાધનો, ટોઇલેટ, પીવાના પાણી, સિનિયર સિટિઝનોને બેસવાના બાંકડાઓ, 3 અદ્યતન ફુવારા, 2.5 કિલોમીટરનો જોગિંગ-ટ્રેક તેમજ ક્રિકેટ રમવા માટે અલગ પિચ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ઘણા સમયથી આ ગાર્ડનમાં અસામાજિક તત્ત્વો, લુખાઓ બેસી રહેતા હતા. ટોરેન્ટને સોંપ્યા બાદ હવે એને વિકસિત કરવા માટે સમગ્ર ગાર્ડનને ખુદ ટોરેન્ટ એનું રિડેવલપમેન્ટ કરે છે. ગાર્ડનમાં આવેલાં જૂનાં આયુર્વેદિક વૃક્ષો જેવા કે આંબલી, અરડૂસી, સિસમ સહિતનાં 90 પ્રકારનાં વૃક્ષો, જેને રિડેવલપમેન્ટ હેઠળ જાળવી રાખવામાં આવશે. લોકોની સુરક્ષા માટે બે શિફ્ટમાં સિક્યોરિટી પણ રાખવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલિસબ્રિજના પૂર્વ છેડે આવેલા તિલક બાગ (વિક્ટોરિયા ગાર્ડન)ને રિડેવલપ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બાગનું મુખ્ય પ્રવેશદ્વાર અત્યારે બ્રિજના છેડે છે ત્યાં જ રાખવામાં આવશે, પરંતુ નવી ડિઝાઇન મુજબ રિવરફ્રન્ટ પર આવતા લોકોને સીધા ગાર્ડન પર આવવું હોય તો એ તરફ પણ એક પ્રવેશદ્વાર બનાવવામાં આવશે. ગાર્ડનમાં હેરિટેજ ઇમારત તેમજ એક મસ્જિદ પણ આવેલી છે, જેની પણ જાળવણી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા બગીચાઓને PPP ધોરણે આપી જાળવણી કરવા આપવામાં આવે છે .