Site icon Revoi.in

અમદાવાદની વીએસ હોસ્પિટલને રૂ.100 કરોડના ખર્ચે નવીનીકરણ કરી અદ્યતન બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત વી. એસ હોસ્પિટલને રૂ.100 કરોડના ખર્ચે અદ્યત્તન બનાવાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં જૂની વીએસ હોસ્પિટલને હવે નવીનીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જૂની VS હોસ્પિટલમાં જે સારવાર થતી હતી તે તમામ સારવાર આ નવી હોસ્પિટલમાં મળશે.

સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે વર્ષ 2020-21ના બજેટમાં વી.એસ હોસ્પિટલનું નવીનીકરણ માટે રૂ. 100 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જેથી આજે સ્ટેન્ડિગ કમિટિના સભ્યો દ્વારા આ મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેની ચર્ચા થઈ હતી. વીએસ હોસ્પિટલના નવીનીકરણના કામને બોર્ડમાં લાવવામાં આવશે. મ્યુનિસિપલ કમિશ્નરે વર્ષ 2021-22 નું 7475 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમા વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી જ્યારે 115 કરોડ રૂપિયા એલજી હોસ્પિટલના નવીનીકરણ માટે ફાળવવામાં આવ્યા હતા. અને 95 કરોડ શારદા હોસ્પિટલના નવીનીકરણ માટે ફાળવવામાં આવ્યા હતા. મ્યુનિ. કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં વીએસ, શારદાબેન અને એલજી હોસ્પિટલના નવીનીકરણ સાથે 11 નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન છે, જેની પાછળ 345 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. વીએસ હોસ્પિટલનું બજેટ રજૂ કરતાં પહેલા ટ્રસ્ટ પાસેથી ખર્ચ સહિતની વિગતો મંગાવાતી હોય છે. ટ્રસ્ટ દ્વારા પાસ થતું બજેટ સીધું સ્ટેન્ડિંગમાં અને ત્યાંથી સુધારા અને મંજૂરી બોર્ડ સમક્ષ મુકાયું હતું. પરંતુ આ વખતે કમિશનરે પોતાની રીતે 100 કરોડની જોગવાઈ કરી છે.

કોરોનાકાળ દરમિયાન મ્યુનિ.એ વધુ 39 હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટ જાહેર કરી 618 બેડનો ઉમેરો કર્યો હતો. જેમા એલજી હોસ્પિટલના 300 બેડ કોરોનાના દર્દી માટે અનામત રખાયા છે. 9મા માળે આઈસીયુ પણ રિઝર્વ છે. આ ઉપરાંત જૂની વીએસમાં કોરોનાના દર્દી માટે 200 બેડ ફાળવાયા હતા. વી.એસ હોસ્પિટલને તાત્કાલિક કોવિડ કેરમાં ફેરવવામાં આવી હતી. જેમાં 100 બેડની વ્યવસ્થા ICU સાથે શરૂ કરાઈ હતી.