Site icon Revoi.in

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નવા નિયમો સામે AHNAનો વિરોધ

Social Share

અમદાવાદઃ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં આગના આકસ્મિત બનાવો બન્યા બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ફાયર સેફ્ટીના નિયમો કડક બનાવ્યા છે. શહેરમાં ઘણીબધી ખાનગી હોસ્પિટલો વર્ષો જુના બિલ્ડિંગોમાં આવેલી છે. અને બિલ્ડિંગોને બીયુ પરમિશન ન હોવાથી ફાયર સેફ્ટીની એનઓસી મળતી નથી. ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને તમામ હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટી તેમજ બીયુ પરમિશન માટે નોટિસ ફટકારી હતી. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મુદ્દે નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે.તેનો  ડોક્ટર એસોસિએશન AHNA દ્વારા વિરોધ કરવામાં આવ્યા છે.

AMCના ફાયર વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ઓરલ ઓર્ડર મુજબ કેટલાક નવા નિયમો લાગુ કરવા માટે ખાનગી હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. અને સાત દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે ખાનગી હોસ્પિટલોના સંચાલકોને જણાવવામાં આવ્યું છે. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા નોટિસ મળતાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓની સમજણ ઉપર પણ સવાલ ઉભા કર્યા છે. ફાયરબ્રિગેડ દ્વારા બે દિવસ પહેલા ફાયર એન.ઓ.સી મુદ્દે વધુ નવા નિયમો લાગુ કરતી એક નોટિસ હોસ્પિટલોને મોકલી આપી છે. જેમાં ખાસ કરીને તમામ હોસ્પિટલોમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર પર હોવા જોઈએ, ICUના બેડ, કવર, બેડશીટ, પડદા વગેરે ભરપૂર હોવા જોઈએ. દર મહિને ઇલેક્ટ્રિક પોઇન્ટ, એસી અને વેન્ટિલેટરને સર્વિસ કરાવવી. હોસ્પિટલોમાં જે કાચ લગાવવામાં આવેલા છે તે દૂર કરવા વગેરે જેવી બાબતો સામેલ કરવામાં આવી છે.

AHNAના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડ વિભાગે જે નોટિસ આપવામાં આવી છે. તેને લઈ અને હોસ્પિટલોમાં નવા નિયમો લાગુ કરવા માંગ કરવામાં આવી છે તેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ સામે AHNA બાંયો ચડાવશે. કેટલીક ટેકનીકલ બાબતો છે જે શક્ય નથી અને તેને લાગુ કરવા માટે ફાયર વિભાગ દ્વારા આ રીતે નોટિસ આપવામાં આવી છે. ડોક્ટર એસોસિયેશન સાથે કોઈ પણ ચર્ચા કર્યા વગર ફાયર બ્રિગેડ દ્વારા આ રીતે પોતાના મનમાન્યા નિયમો લાગુ કરવા આદેશ આપવામાં આવ્યા છે જેનો ડોકટરો દ્વારા સખત વિરોધ કરવામાં આવશે.

AHNAના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડ દ્વારા અમને એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં હાઇકોર્ટના ઓર્ડરને ટાંકીને કેટલીક બાબતો જણાવી છે. જેમાં તમામ હોસ્પિટલોમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર પર હોવા જોઈએ અને હોસ્પિટલમાં ગ્લાસ ન હોવા જોઈએ. જો કે ટેકનિકલ રીતે કેટલીક બાબતો શક્ય જ નથી. જેમ કે ICU એવી જગ્યાએ હોવી જ્યાં લોકોની અવરજવર ઓછી હોવી જોઈએ. પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર જો ICU હોય તો દર્દીઓના મૃત્યુ વધુ થઈ શકે છે. ગ્લાસ કાઢવાનો કોઈ તર્ક નથી. આ હાસ્યાસ્પદ નિર્ણય લેવાયો છે. અમારી દ્રષ્ટિએ કેટલીક બાબતો સાયન્ટિફિક રીતે શક્ય નથી. ઇલેક્ટ્રિક પોઈન્ટ દર મહિને કઈ રીતે સર્વિસ કરવા એ ખ્યાલ નથી આવતો. જેથી કોર્પોરેશનમાં અમે પૂછ્યું છે કે આ બાબતના સ્ટાન્ડર્ડ અમને આપો. 80 ટકા આગના બનાવ શોર્ટ સર્કિટથી થયા છે. કોરોના સમયે ફાયરના બનાવ બન્યા હતા. જેમાં PPE કીટ, સેનિટાઇઝ, ઇલેક્ટ્રિક વધુ લોડ વગેરે હતું. ફાયર પ્રિવેનશન જરૂરી છે. ICU ઉપર હોવા જોઈએ જેથી સૂર્યપ્રકાશ મળી રહે જે જરૂરી છે. ICU ઓપરેશન થિયેટરથી નજીક હોવું જોઈએ. જો હવે ICU ગ્રાઉન્ડ ફ્લોર પર આવે તો ઓપરેશન થિયેટર પણ નીચે લાવવા પડે.જો આ નિયમ વળગી રહેશે તો અમારે ICU બંધ કરવા પડશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ICU કોઈપણ રીતે રાખવા શક્ય નથી.