AICTEએ એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરતાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં 40 દિવસનો વિલંબ થશે
અમદાવાદઃ કોરોનાને લીધે રાબેતા મુજબના શૈક્ષણિક કેલેન્ડર પર માઠી અસર પડી છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા અગાઉ જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં અગત્યના ફેરફાર કરીને નવુ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નવા એકેડેમિક કેલેન્ડરના કારણે નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં અંદાજે એકથી દોઢ માસ જેટલો વિલંબ થશે. અગાઉ જૂના કેલેન્ડર પ્રમાણે 15મી સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હતું તે હવે નવા કેલેન્ડર પ્રમાણે 25મી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. એટલે કે અંદાજે 40 દિવસ જેટલુ મોડુ સત્ર શરૂ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં કોરોના મહામારીના કારણે દરેક રાજ્યોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવતુ હોય છે. અગાઉ કાઉન્સિલે જે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યુ હતુ તેમાં દરેક રાજ્યની ટેકનિકલ કોલેજોમાં 31મી ઓગસ્ટ સુધીમાં પહેલો રાઉન્ડ પૂરો કરી દેવાની તાકીદ કરવામાં આવી હતી. આજ રીતે 9મી સપ્ટેમ્બરે બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાની તાકીદ કરવામાં આવી હતી. આજ રીતે પી.જી. કોર્સમાં 10મી જુલાઇ સુધીમાં પ્રવેશ પૂરો કરવા સૂચના આપવામાં આવી હતી.
હવે કાઉન્સિલ દ્વારા નવુ એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યુ છે. નવા કેલેન્ડર પ્રમાણે હાલમાં 25મી ઓક્ટોબર સુધીમાં પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. 30મી ઓક્ટોબર સુધીમાં ડિપ્લોમાથી ડિગ્રીના વિદ્યાર્થીઓ માટેની કાર્યવાહી કરવાની રહેશે. દેશમાં જુદા જુદા રાજયોમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમા રાખીને કાઉન્સિલ દ્વારા અગાઉ એક વખત એેકેડેમિક કેલેન્ડર જાહેર કર્યા પછી તેમાં ફેરફાર કરીને એકથી દોઢ માસનો વિલંબ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. કાઉન્સિલના આ નિર્ણયના કારણે દરેક રાજ્યોએ પોતાની પ્રવેશ પ્રક્રિયામાં પણ ફેરફાર કરવો પડશે.