રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી એઈમ્સમાં પાણી લીકેજ, સીલિંગનો ભાગ તૂટી પડ્યો
- એઈમ્સમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા સ્ટાફએ જહેમત ઉઠાવી,
- નવા બનાવેલા બિલ્ડિંગમાં પાણી ટપકવા લાગતા ડોલો મુકવી પડી,
રાજકોટઃ સૌરાષ્ટ્રભરના લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ ( એઈમ્સ)નું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. એઈમ્સનું લોકાર્પણ થયા બાદ લોકોને ઘણી આશા બંધાઈ હતી. જોકે લોકાર્પણ કર્યાના પ્રથમ ચોમાસામાં જ એઈમ્સના બાંધકામમાં ગુણવત્તાની જોખમી અને ગંભીર બેદરકારીઓ દેખાઈ આવી છે. નવનિર્મિત બિલ્ડિંગમાં પાણી લીકેજ થતા ફોલ્સ સીલિંગ તૂટી પડી છે અને પાણી કાઢવા માટે સ્ટાફ અને ગાર્ડને દોડવું પડ્યું છે. એઈમ્સનું બાંધકામ શરૂ થયું ત્યારથી જ અનેક વિવાદો સામે આવતા રહ્યા છે.
રાજકોટના ભારે વરસાદને કારણે એઈમ્સના બિલ્ડિંગમાંથી પાણી ટપકવા લાગતા હોસ્પિટલના સ્ટાફે પાણીના નિકાલ માટે જહેમત ઊઠાવી હતી. કરોડોના ખર્ચે બનેલા નવા જ બિલ્ડિંગમાં પાણી ટપકવા લાગતા નબળા બાંધકામ સામે સવાલો ઊઠ્યા છે. એઈમ્સ બિલ્ડિંગના કોન્ટ્રાક્ટરે આ કામ પૂરું કરવામાં સમય મર્યાદાથી ઘણું મોડું કરી નાખ્યું હતું. આ ઉપરાંત ફર્નિચરને લઈને પણ ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી આ દરમિયાન અધિકારીઓની બદલીઓ પણ કરવી પડી હતી. આમ છતાં એઈમ્સનું કામ સંતોષકારક જોવા મળ્યું નથી. નવા બિલ્ડિંગમાં પ્રથમ વરસાદે જ પાણી પડવા લાગ્યા હતા. છતમાંથી પાણી સતત ટપકવાથી તે પાણી છતની નીચે બનાવાયેલી થર્મોકોલની ફોલ્સ સીલિંગમાં જમા થતા આ સીલિંગ અને લાઈટ બધું જ તૂટી ગયું હતું.
સૂત્રોના કહેવા મુજબ એઈમ્સની હોસ્પિટલમાં પાણી ભરાતા તેને કાઢવા માટે સ્ટાફ ટૂંકો પડ્યો હતો અને સિક્યુરિટી એજન્સીના ગાર્ડને પણ પાણી બહાર કાઢવા માટે લગાવી દેવાયા હતા. એઈમ્સને વૈશ્વિક કક્ષાની આરોગ્ય સંસ્થાઓમાં ગણવામા આવે છે. રાજકોટ શહેરે એઈમ્સની માંગ માટે છેક કેન્દ્ર સરકાર સુધી માંગ કરી હતી. એઈમ્સની ફાળવણી બાદ રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના કરોડો રૂપિયાના ખર્ચે રોડ-રસ્તા બનાવાયા છે. તંત્ર આખું એઈમ્સ માટે માળખાકીય સુવિધા ઊભી કરવા સતત મથી રહ્યું છે. તેવામાં એઈમ્સના નવનિર્મિત બિલ્ડિંગમાં જ ગુણવત્તાની આ ગંભીર બેદરકારી એઈમ્સના સત્તાવાહકોની જવાબદારી સામે ગંભીર પ્રશ્નો ખડા કરે છે.
#AIMSLeak #BuildingQuality #RajkotFlood #MedicalInfrastructure #WaterDamage #HospitalMaintenance #ConstructionIssues #NewBuildingProblems #InfrastructureConcerns #AIMSRajkot #RainImpact #BuildingStandards #FacilityManagement #ConstructionQuality #MedicalFacilities #HospitalProblems #RajkotWeather #WaterLeakage #BuildingRepairs #QualityControl