રાજકોટઃ કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્રના લોકોની લાગણી અને માગણી બાદ રાજકોટ શહેરને એઈમ્સની ભેટ આપી હતી. અને રાજ્ય સરકાર દ્વારા અદ્યત્તન હોસ્પિટલ માટે જમીનની ફાળવણી કરાયા બાદ કરોડો રૂપિયાના ખર્ચે ફાઈવ સ્ટાર જેવી અને તબીબી ક્ષેત્રનું ઘરેણું ગણાતી એઇમ્સ હોસ્પિટલની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અને એઇમ્સને આ વર્ષના અંત સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ખુલ્લી મુકવામાં આવે તેવી શક્યતા છે. એઇમ્સમાં ઓપીડી શરૂ થયાને દોઢેક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી IPD (દર્દીને દાખલ કરવાની સુવિધા) વિભાગ શરૂ થઈ શક્યો ન હોવાને કારણે લોકોને ઍઈમ્સના ફાયદાની જાણકારી મળી રહી નથી. રાજકોટ ઍઈમ્સમાં આઈપીડી માટે 5 વિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેને ‘A’, ‘B’, ‘C’, ‘D’ અને ‘E’ નામ આપવામાં આવ્યું છે. પાંચેય વિંગનું ઉદ્ઘાટન ડિસેમ્બરના અંત સુધીમાં PM મોદીના હસ્તે થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના અદ્યત્તન મકાનનું કામ ચાલી રહ્યું છે. એઇમ્સમાં ઓપીડી શરૂ થયાને દોઢેક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી IPD (દર્દીને દાખલ કરવાની સુવિધા) વિભાગ શરૂ થયો નથી. ઍઈમ્સમાં આઈપીડી માટે 5 વિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેને ‘A’, ‘B’, ‘C’, ‘D’ અને ‘E’ નામ આપવામાં આવ્યું છે. પાંચેય વિંગનું ઉદ્ઘાટન ડિસેમ્બરના અંત સુધીમાં PM મોદીના હસ્તે થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. આ મામલે એઇમ્સ રાજકોટનાં ડાયરેક્ટરના કહેવા મુજબ એઈમ્સનું બિલ્ડિગ ડિસેમ્બર પહેલા પૂર્ણ થઈ જશે. એઈમ્સના ઉદ્ધાટન માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી થઈ નથી. પરંતુ સંભવતઃ ડિસેમ્બર મહિનામાં એઇમ્સનું લોકાર્પણ કરવામાં આવી શકે છે. હાલ એઇમ્સ સુધી પહોંચવાના એપ્રોચ રોડની કામગીરી પૂરપાટ ઝડપે ચાલી રહી છે. ઉપરાંત એઇમ્સ માટેના બ્રિજની અડચણો પણ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એઈમ્સમાં ઓપીડી શરૂ કરવા ઉપરાંત એઇમ્સમાં આધુનિક મશીનો દ્વારા દર્દીઓનું નિદાન અને સારવાર શરૂ કરી દેવામાં આવ્યા છે. પણ સૌથી વધુ મોંઘી આઈપીડીની સુવિધા ન હોવાને કારણે દર્દીઓએ નાછૂટકે મોંઘા ભાવની હોસ્પિટલમાં દાખલ થવું પડી રહ્યું છે. તો માત્ર ઓપીડી માટે દર્દીઓ દૂર સુધી જવા માંગતા ન હોવાને લઈ સિવિલ સહિતની હોસ્પિટલોમાં સારવાર કરાવી રહ્યા છે. ત્યારે આઈપીડી શરૂ થયા બાદ મહત્તમ સુવિધાઓ મળવાનું શરૂ થતા દર્દીઓએ સારવાર માટે અમદાવાદ, ચેન્નાઈ કે મુંબઈ સુધી જવું પડશે નહીં.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એઇમ્સ હોસ્પિટલમાં વધુ એક મેડિકલ સ્ટોર શરૂ કરાયો છે. જ્યાં રાજકોટના એક પણ મેડિકલ સ્ટોરમાં ન મળતી હોય તેટલા સસ્તા ભાવની દવાઓ પણ ઉપલબ્ધ થતા જરૂરિયાતમંદ દર્દીઓને મોટો આર્થિક ફાયદો મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સામાન્ય રીતે બજારમાં ડાયાબિટીઝની બીમારી સામે લડવા માટે લેવામાં આવતું ઈન્સ્યુલીન 700 રૂપિયામાં મળે જે અહીં માત્ર રૂ. 165 રૂપિયામાં જ મળે છે. એઇમ્સ હોસ્પિટલમાં આવનારા દર્દીઓને બહુ ચાલવું ન પડે તે માટે હોસ્પિટલ દ્વારા ખાસ રિક્ષાઓ મુકવામાં આવી છે. આ રિક્ષાઓ દર્દીઓને ઓપીડી બિલ્ડિંગ સુધી લઈ જાય છે. ડૉક્ટર પાસે નિદાન કરાવ્યા બાદ દર્દીને ઓપીડી બિલ્ડિંગથી મેઈન ગેઈટ સુધી મુકી આવે છે. એકંદરે આ સુવિધાનો પ્રારંભ થઈ જતાં રાજકોટથી રિક્ષામાં જનારા દર્દીઓને ઘણી રાહત થઈ છે. ત્યારે આ પ્રકારની અન્ય સુવિધાઓ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.