વડોદરાઃ શહેરના એરપોર્ટ પર ડોમેસ્ટીક સેવામાં વધારો કરાયા બાદ હવે કસ્ટમ ક્લીયરન્સ હાઉસ શરૂ કરી એરકાર્ગો શરૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. ત્યારે હવે શહેરના 5 હજારથી વધુ એક્સપોર્ટરને પોતાનું એરકાર્ગોનું કસ્ટમ ક્લીયરન્સ અમદાવાદ કે મુંબઈથી કરાવવું નહીં પડે.
વડોદરાના જિલ્લા કલેક્ટર આર.બી.બારડની અધ્યક્ષતામાં ડીજીએફટી, એક્ઝિમ ક્લબ, ડીઆઈસી અને વીસીસીઆઈ સાથે ડિસ્ટ્રીક્ટ એક્ષપોર્ટ કમિશન કમીટીની બેઠક મળી હતી. જેમાં વડોદરાને એક્સપોર્ટ હબ બનાવવાનો ડ્રાફ્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલાશે. કેન્દ્રની મંજૂરી બાદ શહેરમાં એરકાર્ગોની સુવિધા ઊભી થશે. ઉલ્લેખનિય છે કે, શહેરની 5 હજારથી વધુ કંપનીઓ મહિને 2 હજાર કરોડનું એક્સપોર્ટ કરે છે. આ 2 હજાર કરોડમાંથી 40 ટકા એરકાર્ગો મારફતે એક્સપોર્ટ થાય છે.
ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરામાં ફાર્મા, કેમિકલ, એન્જિનિયરીંગ અને ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગની કંપનીઓ મોટાપાયે એક્સપોર્ટ કરે છે. આ તમામ કંપનીની એક જ રજૂઆત હતી કે, વડોદરાથી એરકાર્ગોની સર્વિસ શરૂ કરાય. જેથી એરકાર્ગોનું કસ્ટમ ક્લિયરન્સ વડોદરાથી થઈ જાય અને પ્લેનમાં ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ એરકાર્ગોનું મુવમેન્ટ થઈ શકે. અત્યાર સુધી એરકાર્ગોનું કસ્ટમ ક્લિયરન્સ અમદાવાદ -મુંબઈથી થઈ રહ્યું છે. જેથી વડોદરાના એક્સપોર્ટ પ્લાનમાં સૌથી પહેલો પ્લાન એરકાર્ગો શરૂ કરવાનો છે. જેના માટે એરપોર્ટ પર એક્સપોર્ટ ક્લિયરન્સ હાઉસ ઊભું થશે. એક્ષપોર્ટ પ્લાનમાં બીજો પ્લાન વરણામા ખાતે ડેવલપ થયેલા ઈનલેન્ડ કન્ટેનર ડેપોને મુંબઈ-દિલ્હી ફ્રેઈટ કોરિડોર સાથે રેલ કનેક્ટિવીટી તેમજ એપ્રોચ રોજ સાથે જોડવાનો છે. મુંબઈ-દિલ્હી ફ્રેઈટ કોરિડોર દ્વારા જ ઈનલેન્ડ કન્ટેનર ડેપોથી કન્ટેનર ક્લિયરન્સ થઈ નિશ્ચિત સ્થળે પહોંચશે. વરણામા ઈનલેન્ડ કન્ટેનર ડેપો ખાતે કસ્ટમ ક્લીયરન્સ હાઉસ ઉભું થશે. હાલ આ બે મુદ્દાને એક્ષપોર્ટ પ્લાનમાં સામેલ કરી ફાઈલ કેન્દ્રમાં મોકલાશે. એક્ઝિમ ક્લબના પ્રેસીડન્ટ વિજય શાહે જણાવ્યું કે, વરણામા ડેપો નવેમ્બર-ડિસેમ્બર સુધી શરૂ થઈ જશે. આ ડેપોમાં એક સાથે 5 હજાર કન્ટેનર મૂકી શકાશે.