અમરેલી: ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ ગરમીનું પ્રમાણ યથાવત છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ગામ પાસે સફારી પાર્કમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓ માટે ઓટોમેટીક ફુવારા અને એર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે વન પ્રાણીઓને ગરમીમાં ઠંડક મળી રહી છે.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ ગરમી સતત પડી રહી છે. તાપમાન સતત ઊચું નોંધાઈ રહ્યું છે. જેથી વન્ય પશુ, પક્ષી અને પ્રાણી માટે વન વિભાગ દ્વારા પીવાના પાણીના પોઇન્ટ તેમજ પીવાના પાણીના કુંડા ભરવામાં આવી રહ્યા છે. સાથે જ સફારી પાર્ક ખાતે સિંહ માટે એર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઓટોમેટિક ફુવારા પણ લગાવવામાં આવ્યા છે. આમ સિંહો માટે પૂરતા પ્રમાણમાં વન વિભાગ દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે, ઉનાળાના તાપમાનમાં સિંહોને ટાઢક મળે એવા હેતુસર વન વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ખુલ્લા જંગલમાં વન વિભાગ દ્વારા પીવાના પાણીના પોઇન્ટ સતત ભરવામાં આવી રહ્યા છે. કુત્રિમ અને કુદરતી રીતે પીવાના પાણીના પોઇન્ટ પણ ભરવામાં આવી રહ્યા છે.
અમરેલીના આંબરડી સફારી પાર્ક ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. રોજબરોજ અહીં મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે અને સિંહ દર્શન કરે છે. સિંહ દર્શન કરતા લોકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આંબરડી સફારી પાર્ક ખાતે અલગ અલગ ટેન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે અને સફારી પાર્કમાં ફરવા માટે બસની પણ વ્યવસ્થા પર વિભાગ દ્વારા કરવામાં આવી છે.