દિલ્હીઃ તમિલનાડુમાં સેનાના હેલિકોપ્ટર દુર્ઘટના ઘટના સ્થળમાં 11 વ્યક્તિના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ રક્ષામંત્રીએ સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એટલું જ નહીં સમગ્ર પરિસ્થિતિ ઉપર રક્ષા મંત્રી રાજનાથ સિંહ નજર રાખી રહ્યાં છે. બીજી તરફ એરફોર્સના ચીફ વી.આર.ચૌધરીએ પાલમથી કુન્નુર જવા રવાના થયાં હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 3 લોકોને એરએમ્બ્યુલન્સ મારફતે દિલ્હી લાવવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સમગ્ર ઘટનાની તપાસ માટે એરફોર્સ દ્વારા તપાસના આદેશ કરાયાં છે.
કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં સીડીએસ બિપીન રાવત, તેમની પત્ની સહિત 14 વ્યક્તિઓ સવાર હોવાનું જાણવા મળે છે. દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની મીટીંગ બોલાવી હતી. જેમાં રાજનાથ સિંહે દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણકારી આપી હતી. કેબિનેટ બેઠકની વચ્ચે જ રક્ષામંત્રી સાઉથ બ્લોક રક્ષા મંત્રાલય જવા રવાના થયાં હતા. દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પણ બનાવ સ્થળે જાય તેવી શકયતા છે.