પટનાઃ બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થઈને પાણીમાં પડી ગયું હતું. જોકે, એરફોર્સે તેને સાવચેતીભર્યું લેન્ડિંગ ગણાવ્યું છે અને હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય કર્મચારીઓ સુરક્ષિત છે. આ હેલિકોપ્ટર મુઝફ્ફરપુરના ઔરાઈ સ્થિત ઘનશ્યામપુરમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર પૂર રાહત સામગ્રી ડ્રોપ કરી રહ્યું હતું. ભારે વરસાદને લઈને બિહારના અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે, બિહારના સીતામઢીમાં પૂર રાહત કામગીરી દરમિયાન એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને સાવચેતીભર્યું લેન્ડિંગ કરવું પડ્યું. હેલિકોપ્ટરમાં બે પાયલટ સહિત ત્રણ જવાન હતા. જોકે, દરેક જણ સુરક્ષિત છે.
બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર છે. નેપાળમાં ભારે વરસાદ અને પૂર પછી, 29 સપ્ટેમ્બરના રોજ કોસી બેરેજ, વીરપુરમાંથી 6,61,295 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. 1968 પછી આ સૌથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. આ બેરેજમાંથી 1968માં મહત્તમ 7.88 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ કારણે બિહાર અને યુપીના અનેક જિલ્લાઓમાં પૂરનું સંકટ ઉભું થયું છે.