Site icon Revoi.in

ભારતના દબાણની સામે ઝુક્યું પાકિસ્તાન, ભારતીય પાયલટ અભિનંદન વર્ધમાનને શુક્રવારે કરશે મુક્ત

Social Share

પાકિસ્તાનની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન ઈમરાનખાને કહ્યુ છે કે તેઓ આગળ કોઈ લડાઈ ઈચ્છતા નથી અને તેના માટે તેમણે બુધવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરવાની કોશિશ કરી છે. પરંતુ તેઓ આ જે કોશિશ કરી રહ્યા છે, તેને નબળાઈ ગણવામાં આવે નહીં.

ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદના સંયુક્ત સત્રમાં એલાન કર્યું છે કે તેઓ શાંતિ ચાહે છે અને ભારતીય પાયલટને આવતીકાલે (શુક્રવારે) મુક્ત કરી દેશે.

બુધવારે પાકિસ્તાની વાયુસેનાના ત્રણ એફ-16 યુદ્ધવિમાનોએ ભારતીય એરસ્પેસમાં ઘૂસવાની હિમાકત કરી હતી. એ વાત અલગ છે કે ભારતીય વાયુસેના તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો અને એક એફ-16 વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ એફ-16 વિમાનોને ખદેડવાની કાર્યવાહી દરમિયાન મિગ-21 યુદ્ધવિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું અને ભારતીય પાયલટને પાકિસ્તાની નિયંત્રણવાળા વિસ્તારમાં પાડોશી દેશના સુરક્ષાદળોએ કસ્ટડીમાં લીધો હતો.

પાકિસ્તાની સેના દ્વારા નિવેદન આવ્યું હતું કે બે ભારતીય યુદ્ધવિમાનો તેના વાયુક્ષેત્રમાં દાખલ થયા અને તેને પાકિસ્તાની વાયુસેનાએ તોડી પાડયા હતા. પાકિસ્તાનની સેના તરફથી એક વીડિયો જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે ભારતીય મિગ વિમાનો દ્વારા પાકિસ્તાની એરસ્પેસમાં ઘૂસવાની કોશિશ કરવામાં આવી હતી. તેની સાથે જ પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યુ છે કે બે ભારતીય પાયલટોને એરેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એકને સીએમએસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન તરફથી આવી જાણકારી આવ્યા બાદ ભારત સરકાર તરફથી વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની યુદ્ધવિમાનો સાથેના એન્ગેજમેન્ટમાં એક ભારતીય પાયલટ મિસિંગ છે.

આ તમામ ઘટનાક્રમની વચ્ચે પાકિસ્તાની સેનાના પ્રવક્તાનું બુધવારે સાંજે નિવેદન આવ્યું હતુ કે પાકિસ્તાનના કબજામાં માત્ર એક જ ભારતીય પાયલટ છે. તો ભારતીય વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યુ હતું કે ભારતીય પાયલટની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તન થવું જોઈએ નહીં. તેની સાથે બુધવારે રાત્રે સેનાની ત્રણેય પાંખના પ્રમુખો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. જણાવવામાં આવે છે કે ભારતીય સૈન્ય શક્તિ અને હાલની પરિસ્થિતિ સંદર્ભે વડાપ્રધાન મોદીને વિગતવાર જાણકારી આપવામાં આવી છે.