નવી દિલ્હીઃ નવી દિલ્હી, 14 જૂન. કુવૈત સિટીમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં માર્યા ગયેલા 45 ભારતીય નાગરિકોના મૃતદેહ ભારત વિશેષ વિમાન દ્વારા પરત લાવશે. પ્લેન આજે એટલે કે શુક્રવારે કોચીમાં લાવવામાં આવ્યાં છે. નિવેદન અનુસાર, મોટાભાગના મૃતકો કેરળ (23)ના છે, ત્યારબાદ તામિલનાડુના 7, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ત્રણ-ત્રણ, ઓડિશાના 2 અને બિહાર, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને હરિયાણાના 1-1 નાગરિકોને સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ પર વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ ગુરુવારે કુવૈત પહોંચ્યા હતા. તેમણે કુવૈત સરકાર સાથે સંકલન કરીને મૃતદેહોને ઝડપથી ભારતમાં મૃતકોના પરિવારજનો સુધી પહોંચાડવા કામ કર્યું હતું. બુધવારના રોજ મંગફ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. બિલ્ડિંગમાં હાજર 176 ભારતીય કામદારોમાંથી 45 મૃત્યુ પામ્યા, જ્યારે 33 હોસ્પિટલમાં દાખલ છે અને બાકીના સુરક્ષિત હોવાનું કહેવાય છે.
કુવૈત પહોંચ્યા પછી તરત જ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે પાંચ હોસ્પિટલો (એદન, મુબારક અલ-કબીર, જાબેર, ફરવાનીયા અને ઝહરા)ની મુલાકાત લીધી જ્યાં ઘાયલ ભારતીયોની સારવાર કરવામાં આવી રહી છે અને તેમની સાથે વાતચીત કરી. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ દર્દીઓ સુરક્ષિત હોવાનું કહેવાય છે અને તેમની તબીબી સ્થિતિના આધારે ધીમે ધીમે રજા આપવામાં આવશે.
કીર્તિ વર્ધન સિંહ સૌપ્રથમ ગૃહ પ્રધાન શેખ ફહાદ યુસુફ સઉદ અલ-સબાહને મળ્યા, જેમણે નશ્વર દેહોને વહેલા સ્વદેશ પરત લાવવા અને હોસ્પિટલમાં દાખલ તમામને યોગ્ય તબીબી સંભાળ માટે સંપૂર્ણ સમર્થન અને સહાયની ખાતરી આપી. મંત્રીએ વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા અને સ્વાસ્થ્ય મંત્રી અહેમદ અબ્દેલવહાબ અહેમદ અલ-અવદી સાથે પણ મુલાકાત કરી.
શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં, દૂતાવાસે કહ્યું કે, તે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને ઈજાગ્રસ્તો અને અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવેલા લોકોને તમામ જરૂરી સહાયતા સુનિશ્ચિત કરી રહી છે. દૂતાવાસે કહ્યું કે, તે મૃતકો અને ઘાયલોના પરિવારના સભ્યો માટે સમર્પિત 24×7 હેલ્પલાઈન +965-65505246 (વોટ્સએપ અને કોલ) ચલાવે છે. હેલ્પલાઇન દ્વારા નિયમિત અપડેટ આપવામાં આવે છે.