અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કાલે રવિવારે વર્લ્ડકપ ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે. આ રોમાંચક મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક સેલિબ્રિટીઝ, સહિત ઉદ્યોગપતિઓ આવવાના છે. ત્યારે પ્રેક્ષકોના મનોરંજન માટે એર શોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. તેના માટે એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા શુકવારે પણ ખાસ 9 વિમાન દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. એરપોર્સના 9 વિમાન દ્વારા અલગ-અલગ કરતબ બતાવવામાં આવ્યાં હતાં. લોકો વિમાનનો અવાજ આવતાં જ ધાબે ચઢીને મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યા હતા. સ્ટેડિયમ અને એની આસપાસના વિસ્તારમાં એકસાથે 9 વિમાન જોઈને લોકોમાં ભારે કુતૂહલતા સર્જાઈ હતી. જોકે હજુ શનિવારે પણ એરફોર્સ દ્વારા બપોરના સમયે પ્રેક્ટિસ કરવામાં આવશે. મેચના દિવસે પણ મેચ શરૂ થયા અગાઉ પ્રેક્ષકોના મનોરંજન માટે એર શો યોજાશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ આગામી 19 તારીખને રવિવારના રોજ યોજાશે. વર્લ્ડકપ ફાયમલ મેચના પ્રારંભે એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશી કરતબો બતાવવામાં આવશે, જેના ભાગરૂપે શુક્રવારે એરફોર્સનાં ફાઈટર જેટ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ દૃશ્યો જોઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. સ્ટેડિયમમાં બલ્લેબાજો ચોગ્ગા અને છગ્ગા લગાવશે તો આકાશમાં સૂર્યકિરણની ટીમ અદભુત પ્રદર્શન કરી પ્રેક્ષકોના દિલ ધડકાવશે.
શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાયનલ મેચની આગોતરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વર્લ્ડ કપ-2023 ફાઈનલમાં એન્ટ્રી લેનારી ટીમ ઈન્ડિયા ગુરૂવારે અમદાવાદ પહોંચી છે, અને શુક્રવારે નેટ પ્રેકટીસ કરી હતી. સ્ટેડિયમ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કાલે રવિવારે સ્ટેડિયમમાં લોકો રોમાંચક મેચની સાથે એરશો પણ નિહાળશે. એર શો ચાર વિશેષ વિમાન દ્વારા યોજવામાં આવશે, જેના ભાગરૂપે શુક્રવારે સ્ટેડિયમ પર રિહર્સલ યોજાયું હતું. આ એર શોનું રિહર્સલ જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. હવે ફાઇનલના દિવસે ફરી એકવાર સ્ટેડિયમમાં મેચ અગાઉ એર શો જોવા મળશે. આ ઉપરાંત કેટલાક સેલિબ્રિટી દ્વારા પણ સ્ટેડિયમ પર પર્ફોર્મ કરવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના નેતા પણ વર્લ્ડ કપની મેચમાં હાજરી આપે એવી શક્યતા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા પણ મેચને લઈને મોટા ભાગની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.