એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સ ફરજ પર પરત ફર્યાં, બે દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે
નવી દિલ્હીઃ ટાટા ગ્રૂપની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ (કેબિન ક્રૂ) હવે કામ પર પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. કેબિન ક્રૂની હડતાળને કારણે ફ્લાઈટ્સમાં ઘણી વિક્ષેપ પડ્યો હતો પરંતુ હવે હડતાલ પાછી ખેંચી લેવામાં આવી છે. હડતાલને કારણે એરલાઈને ત્રણ દિવસમાં 170 ફ્લાઈટ રદ કરી હતી.
હડતાળ પર ઉતરેલા ક્રૂ મેમ્બર્સ કામ પર પરત ફરી રહ્યા છે. આ સાથે એરલાઇનની કામગીરી ધીમે ધીમે પાટા પર આવી રહી છે. એરલાઇન તેમને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં મદદ કરી રહી છે, જે કામ પર પાછા ફરવા માટે જરૂરી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસમાં કથિત ગેરવહીવટના વિરોધમાં ક્રૂ સભ્યોનો એક વર્ગ હડતાળ પર હતો. મોડી રાત્રે હડતાલને પાછી ખેંચી લેવાયા બાદ એરલાઇન મેનેજમેન્ટે 25 ક્રૂ મેમ્બરની બરતરફી પણ સમાપ્ત કરી હતી.
એર ઈન્ડિયા એક્સપ્રેસે કેબિન ક્રૂ મેમ્બર્સ સાથે તેમની તમામ ચિંતાઓને દૂર કરીને સમાધાન કર્યું. આ કરાર હેઠળ ક્રૂ અને મેનેજમેન્ટ બંને સામાન્ય એરલાઇન કામગીરી પુનઃસ્થાપિત કરવા સંમત થયા હતા.
મુખ્ય શ્રમ કમિશનર (કેન્દ્ર)ની અપીલ બાદ, એર ઈન્ડિયા એક્સપ્રેસનું મેનેજમેન્ટ 07 અને 08 મે 2024ના રોજ બરતરફ કરાયેલા 25 કેબિન ક્રૂને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા સંમત થયા છે. મેનેજમેન્ટ સેવા નિયમો મુજબ કેબિન ક્રૂના કેસની સમીક્ષા કરશે. એર ઈન્ડિયા એક્સપ્રેસના મેનેજમેન્ટના પ્રતિનિધિઓએ ખાતરી આપી હતી કે, સમાધાનની કાર્યવાહી દરમિયાન મેનેજમેન્ટ અને કેબિન ક્રૂ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. તેમજ, શક્ય તેટલી વહેલી તકે તેનું નિરાકરણ કરવામાં આવશે.