એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈને 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરી
નવી દિલ્હીઃ એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈને 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરી છે. એરલાઇનના વરિષ્ઠ ક્રૂ સભ્યો સામૂહિક રજા પર જવાના કારણે 7 મે 2024 ની રાતથી 8 મે 2024 ની સવાર સુધી 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા કેબિન ક્રૂનો એક વર્ગ છેલ્લી ઘડીએ બીમાર હોવાની જાણ થઈ હતી.” આ પછી, કેટલીક ફ્લાઇટ્સ વિલંબિત થઈ હતી અને કેટલીક રદ કરવામાં આવી હતી.
આ અભૂતપૂર્વ પરિસ્થિતિને કારણે નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ હવે કાર્યવાહી અંગે વિચારણા કરી રહ્યા છે. નોંધનીય છે કે ટાટા ગ્રુપની એર ઈન્ડિયા એક્સપ્રેસ એઆઈએક્સ કનેક્ટ (અગાઉ એરએશિયા ઈન્ડિયા) ને પોતાની સાથે મર્જ કરવાની પ્રક્રિયામાં છે. તેને લઈને આ એરલાઈનના ક્રૂ મેમ્બર્સમાં છેલ્લા કેટલાક સમયથી નારાજગી જોવા મળી રહી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈને 70થી વધારે ફ્લાઈટ્સ રદ કરતા પ્રવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ફ્લાઈટ્સ રદ થવાને પગલે અનેક પ્રવાસીઓ રઝડી પડ્યાં હતા.