- સૈન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ
- એરલાઈને આપ્યું કારણ
- ટેકનિકલ સમસ્યાને કારણે કરાઈ રદ
દિલ્હી : બોઇંગ-777 એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીને કારણે એર ઈન્ડિયાએ સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈની ફ્લાઈટ રદ કરી દીધી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.
એર ઈન્ડિયાએ તેના ગ્રાહકોને થયેલા વિક્ષેપ બદલ ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે અસરગ્રસ્તોને વૈકલ્પિક ફ્લાઈટ્સ અથવા રદ થયેલી ફ્લાઈટ માટે સંપૂર્ણ રિફંડનો વિકલ્પ આપવામાં આવ્યો છે. એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,આ ઉપરાંત એરલાઇન ગ્રાહકો દ્વારા હોટલમાં રોકાણ અને પરિવહન પર કરવામાં આવેલા તમામ ખર્ચની ભરપાઈ કરશે.
ફ્લાઇટ નંબર AI-180 8 જૂનના રોજ સૈન ફ્રાન્સિસ્કોથી મુંબઈ માટે ઓપરેટ થવાની હતી પરંતુ અણધારી ટેકનિકલ સમસ્યાને કારણે તેને રદ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટના ટાયરમાં કોઈ સમસ્યાને કારણે શરૂઆતમાં ફ્લાઇટ થોડા કલાકો મોડી પડી હતી અને બાદમાં રદ કરવામાં આવી હતી. ફ્લાઇટ બુક કરનારા મુસાફરોની સંખ્યા વિશેની વિગતો તાત્કાલિક જાણી શકાઈ નથી.
6 જૂનના રોજ દિલ્હીથી સૈન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને એન્જિનમાં ખામી સર્જાયા બાદ પૂર્વી રશિયાના દૂરના બંદર શહેર મગદાન તરફ વાળવામાં આવી હતી. આ વિમાનમાં 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર હતા. બધા બે દિવસથી મગદાન શહેરમાં ફસાયેલા હતા. બાદમાં, એર ઈન્ડિયાના કાફલાનું બીજું વિમાન મોકલવામાં આવ્યું, જે તેમને 8 જૂને સાન ફ્રાન્સિસ્કો લઈ આવ્યું.