- એર ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર એટેક
- 45 લાખ પ્રવાસીઓના ડેટાની થઇ ચોરી
- જન્મ તારીખથી લઇ પાસપોર્ટની માહિતી ચોરાઇ
- પ્રવાસીઓના ક્રેડિટ કાર્ડનો ડેટા પણ લીક
દિલ્હી : સરકારી એરલાઇન્સ એર ઈન્ડિયાના મુસાફરોના ડેટા લીક થયાની ઘટના સામે આવ્યા છે. એરલાઇન્સના ડેટા સેન્ટર ઉપર સાયબર એટેક થયો હતો, જેના દ્વારા ડેટા ચોરી થઈ હતી. આ હુમલો આ વર્ષે ફેબ્રુઆરીનો છે પરંતુ એર ઇન્ડિયાએ હવે આ માહિતી તેની વેબસાઇટ પર આપી છે. કંપનીએ કહ્યું છે કે, આ સાયબર એટેકમાં મુસાફરોની વ્યક્તિગત માહિતી ચોરી થઈ હતી. જેમાં આશરે 45 લાખ મુસાફરોના ડેટા ચોરાયા છે. જેમાં દેશ-વિદેશના મુસાફરોનો સમાવેશ થાય છે
એર ઇન્ડિયાએ કહ્યું કે, હુમલો ઓગસ્ટ 2011 થી ફેબ્રુઆરી 2021 ની વચ્ચે થયો હતો. આ અંતર્ગત મુસાફરોની ચોરી થઈ હોવાની માહિતી મળી હતી. આમાં મુસાફરોનું નામ, જન્મ તારીખ, સંપર્ક માહિતી, પાસપોર્ટની માહિતી અને ટિકિટની માહિતી શામેલ છે. એરલાઇન્સે કહ્યું, ‘અમને આ વિશેની પહેલી માહિતી આ વર્ષે 25 ફેબ્રુઆરીએ અમારા ડેટા પ્રોસેસરથી મળી હતી. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અસરગ્રસ્ત ડેટા વિશેની માહિતી અમારા ડેટા પ્રોસેસર દ્વારા ફક્ત 25-03-2021 અને 5-04-2021 પર આપવામાં આવી હતી. ”
કંપનીએ કહ્યું કે, આ ડેટા SITA PSS પાસેથી ચોરી કરવામાં આવ્યો છે જે મુસાફરોની સેવાઓ માટે ડેટા પ્રોસેસર તરીકે કામ કરે છે. તે ડેટા સ્ટોર કરવા અને પ્રોસેસ કરવા માટે જવાબદાર છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે ક્રેડિટ કાર્ડનો ડેટા ચોરી કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ સીવીવી અથવા સીવીસી નંબર ચોરાયા નથી. સીવીવી નંબર કાર્ડની પાછળના 3 અંકોમાં છે, જે પેમેન્ટ માટે નાખવી જરૂરી હોય છે.