Site icon Revoi.in

એર માર્શલ તેજિન્દર સિંહ ડેપ્યુટી એરફોર્સ ચીફ બન્યા

Social Share

નવી દિલ્હીઃ એર માર્શલ તેજિન્દર સિંહે રવિવારે વાયુસેનાના નાયબ વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ એરફોર્સ હેડક્વાર્ટર (વાયુ ભવન) પહોંચ્યા અને ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યા પછી એર માર્શલ તેજિન્દર સિંહ અહીં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર માર્શલ તેજિન્દર સિંઘને 13 જૂન 1987ના રોજ ભારતીય વાયુસેનાની ફાઇટર શાખામાં કમિશન આપવામાં આવ્યું હતું. તે 4,500 ફ્લાઈંગ કલાકો સાથે કેટેગરી ‘A’ ફ્લાઇટ પ્રશિક્ષક છે. તેઓ નેશનલ ડિફેન્સ કોલેજ અને ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે ફાઈટર સ્ક્વોડ્રન, એક રડાર સ્ટેશન અને એક મોટા ફાઈટર બેઝની કમાન્ડ કરી છે.

એર માર્શલ સિંહ જમ્મુ અને કાશ્મીરના એર ઓફિસર કમાન્ડિંગ હતા. તેમની વિવિધ સ્ટાફ નિમણૂંકોમાં કમાન્ડ હેડક્વાર્ટર ખાતે ઓપરેશનલ સ્ટાફ, એર હેડક્વાર્ટર ખાતે એર કોમોડોર (કાર્મિક અધિકારી-1)નો સમાવેશ થાય છે. આ સિવાય તેઓ ડેપ્યુટી આસિસ્ટન્ટ ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (IDS), આઈડીએસ હેડક્વાર્ટરમાં ફાઈનાન્સિયલ (પ્લાનિંગ) આસિસ્ટન્ટ, એર કોમોડોર (એરોસ્પેસ સિક્યુરિટી) પણ રહી ચૂક્યા છે.

તેમની હાલની નિમણૂક પહેલા, તેઓ મેઘાલયના શિલોંગ ખાતે ભારતીય વાયુસેનાના મુખ્ય મથક ઈસ્ટર્ન એર કમાન્ડમાં વરિષ્ઠ હવાઈ અધિકારી હતા. તેમની પ્રશંસનીય સેવાઓની માન્યતામાં, તેમને 2007માં વાયુ સેના મેડલ અને 2022માં અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે નેવીના વાઇસ એડમિરલ સી.આર. પ્રવીણ નાયરે ઈન્ડિયન નેવલ એકેડમીના કમાન્ડન્ટ તરીકે પણ ચાર્જ સંભાળ્યો છે. પ્રવીણ નાયરને વાઈસ એડમિરલ વિનીત મેકકાર્થીના સ્થાને એકેડમીમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે મિસાઈલ કોર્વેટ આઈએનએસ કિર્ચ, કમિશન્ડ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ‘આઈએનએસ ચેન્નાઈ’ અને ભારતીય નૌકાદળના સૌથી મોટા યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રમાદિત્યનું કમાન્ડ કર્યું છે. તેઓ ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક અને ઓપરેશનલ કાઉન્સિલ (INSOC), નૌકાદળની પ્રીમિયર થિંક-ટેંકના ત્રણ વર્ષથી વધુ સમયથી સભ્ય પણ છે.