અમદાવાદઃ બિપરજોય વાવાઝોડા બાદ ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી વિમાની સેવાને તેની અસર પડી છે. અમદાવાદમાં સરદાર પટેલ આંતર રાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટ પર વિમાની સેવાને અસર થઈ હતી. જેમાં ઘણી ફલાઈટ્સ તેના નિર્ધારિત સમય કરતા વિલંબથી ઓપરેટ થઈ હતી. જ્યારે ત્રણ ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. જેમાં જોઘપુર, ઈન્દોર અને નાસિક જતી ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.ત્રણ ફ્લાઈટ અડધાથી 8 કલાક મોડી હતી. તેના કારણે પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડી હતી.
બિપરજોય વાવાઝોડા બાદ વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા માત્ર સૌરાષ્ટ્ર જ નહી પણ અમદાવાદમાં પણ વિમાની સેવાને અસર થઈ હતી.શુક્રવારે દિવસ દરમિયાન ત્રણ ફલાઈટ્સ રદ્દ્ થઈ હતી અને ઘણી ફલાઈટ્સ મોડી ચાલી રહી છે. ખરાબ હવામાનને કારણે અમદાવાદથી ત્રણ ફ્લાઈટ રદ થઈ છે જ્યારે ત્રણ ફ્લાઈટ અડધીથી 8 કલાક મોડી ચાલી રહી છે. જે ફલાઈટ્સ રદ થઈ છે જેમાં સવારે અમદાવાદથી જોધપુરની અને બપોર પછી અમદાવાદથી ઈન્દોર, અમદાવાદથી નાસિકની એમ ત્રણ ફલાઈટ રદ થઈ છે. રદ થયેલી તમામ ફલાઈટ્સ ઈન્ડિગો એરલાઈન્સની છે. સાથે સાથે બીજી ઘણી એવી પણ ફલાઈટ્સ છે જે ડીલે ચાલી રહી છે. ફ્લાઈટ રડાર 24 સાઈટ પ્રમાણે અમદાવાદથી બેંગ્લોર, અમદાવાદથી દિલ્હી અને અમદાવાદથી ચેન્નઈ જતી ફલાઈટ મોડી ચાલી રહી છે. ડીલે ફ્લાઈટ અડધીથી 8 કલાક સુધી મોડી ચાલી રહી છે. જેના કારણમાં પણ ખરાબ હવામાન જ જવાબદાર છે. મોડી ચાલી રહેલી ફલાઈટ્સમાં એર-ઈન્ડિયા, ઈન્ડિગો અને અકાસા એરલાઈન્સની ફલાઈટનો સમાવેશ થાય છે. હજુ પણ બે-ત્રણ દિવસ વાતાવરણમાં ભારે પવન સાથે વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના સેવાઈ રહી છે. જેથી હજુ પણ ફલાઈટ્સ મોડી થઈ શકે છે.